ગાંધીનગરઃ પૂર્વ કલેક્ટર એસ કે લાંગાની ધરપકડ કરવામાં આવી છે. સરકારી જમીન પ્રકરણમાં ગેરરીતિ કરી હોવાના આરોપ સાથે તેમની ધરપકડ કરાઈ છે. લાંબા સમયથી ગાંધીનગરમાં નોંધાયેલા કેસમાં પોલીસ તેમની શોધખોળ કરી રહી હતી. આવતીકાલે વિધિસર કાર્યવાહી કરીને તેમના રિમાન્ડ માંગવામાં આવે તેવી શક્યતા છે. સરકાર તરફથી જ કલેકટર કચેરીના અધિકારીએ નોંધાવેલી ફરિયાદને પગલે એસ કે લાંગાની ગાંધીનગર પોલિસે ધરપકડ કરી છે.
Advertisement
Advertisement
આજે મોડી સાંજે લાંગાને SITની ઓફીસ ખાતે હાજર કરવામાં આવે તેવી શક્યતા છે. ગાંધીનગર એસપી તરુણ દુગ્ગલે પુષ્ટિ કરતા કહ્યું હતું કે, આ મામલે આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ યોજીને વિગતો આપવામાં આવશે.
ગાંધીનગર કલેકટર કચેરીના અધિકારીએ એસ કે લાંગા સામે ખોટા દસ્તાવેજ બનાવવા અને સત્તાનો દૂર ઉપયોગ કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. નિવૃત્તિ બાદ પણ તેમણે સરકારી ફાઇલોમાં જૂની તારીખમાં સહી કરી હોવાનો ફરિયાદમાં કથિત આક્ષેપ છે. ફરિયાદમાં વધુમાં જણાવાયું હતું કે લાંગાએ ફરજ દરમિયાન પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો હતો અને અપ્રમાણસર મિલકત વસાવી હતી. નિવૃત્ત કલેકટર લાંગાની સાથે તત્કાલીન ચીટનીશ અને RAC સામે પણ ગાંધીનગરના સેકટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
કમિટીની તપાસમાં દોષી પૂરવાર
એસ.કે. લાંગાએ તેમના કલેક્ટર કાળ દરમિયાન જમીન કૌભાંડ આચર્યું હતું. લાંગા સમક્ષ ગાંધીનગર સેક્ટર-7 પોલીસમાં ફરિયાદ થતાં સરકારે એક કમિટીનું ગઠન કર્યું હતું. આ કમિટીની તપાસમાં તેઓ દોષી સાબિત થયા હતાં. ગાંધીનગર એલસીબીએ તેઓ માઉન્ટ આબુમાં હોવાની માહિતી મળતાં સર્ચ ઓપરેશન હાથ ધરીને તેમને સકંજામાં લીધા હતાં.
શું છે લાંગા સામેની પોલીસ ફરિયાદ ?
લાંગા સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ, તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને જે-તે વખતના તત્કાલીન ચીટનીશ તથા આર.એ.સી. તથા પોતાના મળતિયાઓના આર્થિક ફાયદા માટે પૂર્વ આયોજિત કાવતરું રચી જમીનના ખોટા NAના હુકમો કર્યા હતા. બાદમાં સરકારમાં ભરવાની થતી પ્રીમિયમની રકમ પણ નહીં ભરીને સરકારને આર્થિક નુકસાન કરી બિનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવ્યા હતા. તેમણે નવી શરતની જમીન જૂની શરતમાં દર્શાવી ખોટા પુરાવા ઊભા કરી ખોટા ડોક્યુમેન્ટ બનાવી એનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો.
Advertisement