અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં હાલમાં મેઘતાંડવ ચાલી રહ્યું છે, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. દરમિયાન દ્વારકામાં વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જામનગર, પોરબંદર, વલસાડ, નવસારી, ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 65 ટકા વરસાદ થયો છે. દરમિયાન હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વધુ એક ઘાતક આગાહી કરી છે.
Advertisement
Advertisement
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે નજીકના ભવિષ્યમાં દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં ભારે વરસાદની શક્યતા છે. જોરદાર પવન ગુજરાત તરફ ભારે ભેજ લાવી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, ગોધરા, કચ્છ, અરવલ્લી, સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે. 22, 23 અને 24 તારીખે ગુજરાતમાં વ્યાપક વરસાદ પડશે. 27મીએ વધુ વરસાદ પડશે. વરસાદની બીજી લહેરને લીધે નદીઓમાં પૂર આવશે.
દ્વારકામાં ભારે વરસાદ
સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદ ચાલુ છે, જ્યારે ગીર સોમનાથ અને જૂનાગઢ બાદ દ્વારકામાં પણ ભારે વરસાદ પડ્યો છે, ભારે વરસાદને કારણે ટ્રેન અને બસ સેવા ખોરવાઈ ગઈ છે. ભારે વરસાદના કારણે ભાટિયાથી ઓખામઢી રેલવે ટ્રેકને નુકસાન થયું હતું, જેના કારણે ઓખા જતી ટ્રેનને ખંભાળિયામાં જ અટકાવી દેવામાં આવી હતી અને 700 મુસાફરોને બસ દ્વારા દ્વારકા મોકલવામાં આવ્યા હતા. આ સાથે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
બીજી તરફ અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડશે. ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
Advertisement