સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલી વિજયનગર સોસાયટીમાં રહેતા એક પરિવારના ચાર સભ્યોએ અનાજમાં છાંટવાની દવા ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ચારેય લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પત્ની, પુત્ર અને પુત્રીનું મોત નિપજ્યું હતું. જ્યારે પિતાની હાલત હજુ પણ ગંભીર છે. પરિવારે આર્થિક સંકડામણના કારણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
Advertisement
Advertisement
મૂળ ભાવનગરના સિહોરના અને સરથાણા વિજયનગર સોસાયટીમાં રહેતા વિનુભાઈ ખોડાભાઈ મોરડિયા (ઉંમર 55) હીરાના કારખાનામાં કામ કરે છે. બુધવારે મોડી સાંજે વિનુભાઈ, તેમના 50 વર્ષીય પત્ની શારદાબેન, તેમના 20 વર્ષના પુત્ર ક્રિશ અને 15 વર્ષની પુત્રી સેનીતાએ એકસાથે ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં ચારેયને 108 એમ્બ્યુલન્સની મદદથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મોડી રાત્રે સારવાર દરમિયાન શારદાબેનનું મોત નીપજ્યું હતું. તે પછી પુત્રી સેનીતાએ પણ અંતિમશ્વાસ લીધાં અને બાદમાં પુત્ર ક્રિશનું પણ નિધન થયું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે હોસ્પિટલે પહોંચી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત સરથાણા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ કે.એ.ચાવડાના જણાવ્યા અનુસાર યોગીચોક વિસ્તારમાં દાતાર હોટલ નજીક સીમાડા કેનાલ પાસે એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા. જ્યારે એકની સારવાર ચાલી રહી છે. મૃતકોમાં શારદાબેન (પત્ની), પુત્ર (ક્રિશ) અને પુત્રી (સેનીતા)નો સમાવેશ થાય છે, જ્યારે વિનુભાઈ (પિતા)ની હાલત ગંભીર હોવાથી હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ વિનુભાઈ રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા, હાલ હીરાના ધંધામાં મંદી ચાલી રહી છે, જેના કારણે પરિવાર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો, જેના કારણે પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement