ગાંધીનગર: બિપરજોય ચક્રવાતી તોફાન બાદ ગુજરાતમાં ચોમાસાની જોરદાર એન્ટ્રી થઈ હતી. ત્રણ રાઉન્ડના વરસાદને કારણે રાજ્યની નદીઓ અને જળાશયોમાં પાણી આવ્યાં હતા. પરંતુ સમગ્ર ઓગસ્ટ માસમાં વરસાદ ન પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતોને તેમના ચોમાસુ પાકને નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે. ઓછા વરસાદને કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પાણીની તંગી સર્જાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને સરહદી ગામોમાં પાણી માટે મુશ્કેલી જોવા મળી રહી છે. ખેડૂતોએ સરકાર પાસે દસ કલાક વીજળી આપવા અથવા કેનાલમાંથી પાણી આપવાની માંગ કરી છે. ચાલુ મહિને સરેરાશ કરતાં ઓછાં વરસાદને કારણે પશુપાલકો અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. દરમિયાન રાજ્ય સરકારે રાજ્યના 14 જિલ્લામાં 10 કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે. હવે 2 સપ્ટેમ્બરથી એટલે કે આવતીકાલથી ખેડૂતોને આઠ કલાકને બદલે 10 કલાક વીજળી મળશે.
Advertisement
Advertisement
14 જિલ્લામાં ખેડૂતોને 10 કલાક વીજળી અપાશે
રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે રાજ્યમાં ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, અન્ય જિલ્લાના ખેડૂતોની ફરિયાદ મળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર, પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ અને મોરબી જિલ્લાના ખેડૂતોને 8 કલાકને બદલે 10 કલાક વીજળી પૂરી પાડવાનો નિર્ણય લીધો છે. તેનો અમલ 2 સપ્ટેમ્બરથી કરવામાં આવશે. આ ઉપરાંત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના બાકીના જિલ્લાઓમાં 5 સપ્ટેમ્બરથી 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લેવાયો છે.
માતપુર-બ્રાહ્મણવાડા સિંચાઈ યોજનાનો પ્રારંભ
બીજી તરફ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નર્મદા મુખ્ય કેનાલ આધારિત રૂ. 67.69 કરોડની માતપુર-બ્રાહ્મણવાડા સિંચાઈ યોજનાનું લોકાર્પણ કરાયું હતું. રાજ્ય સરકારે ખેતી માટે દસ કલાક વીજળી આપવા અને જરૂર પડ્યે સિંચાઈ માટે નહેરોમાં પાણી છોડવાનો નિર્ણય લીધો છે, જેથી વરસાદ ન પડે તો ખેતી અને ખેડૂતોને નુકસાન વેઠવું ન પડે. આ યોજનાનો સીધો લાભ મહેસાણા અને પાટણ જિલ્લાના 18 ગામોની 3705 એકર જમીનને મળશે.
Advertisement