અમદાવાદ ક્રાઈમબ્રાંચે દેશના છ રાજ્ય અને પાટનગર દિલ્હીમાં છેતરપિંડીના ત્રીસથી વધુ ગુના આચરનાર નકલી સીબીઆઈ ઓફિસરને ઝડપી લીધો છે. તે લોકોને સીબીઆઈ અધિકારી તરીકે પોતાની ઓળખ આપી ડુપ્લિકેટ આઈકાર્ડ બતાવી વિશ્વાસ કેળવતો હતો. આરોપી પાસે મહિલા કે પુરુષ જાય એટલે તે બેગ ચેક કરવાના બહાને કીંમતી સામાન કાઢી લેતો હતો. પોલીસે આરોપી પાસેથી સીબીઆઈનું બનાવટી ઓળખપત્ર, આધારકાર્ડ, પોલીસ યુનિફોર્મ, પી કેપ, બુટ, મૌજા, બેલ્ટ અને મોબાઈલ ફોન વગેરે કબ્જે લઈ તપાસ હાથ ધરી છે. આરોપી સુલતાનખાન અહેમદખાન ખાન ઉર્ફ રાજેશ મિશ્રા(ઉં.૪૪) મધ્યપ્રદેશના બડવાની જીલ્લાના સેંધવા તાલુકામાં રાની કોલોનીમાં રેહેતો હોવાનું જાણવા મળ્યું છે.
Advertisement
Advertisement
સીબીઆઈ અધિકારીની ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી કરતો શખ્સ અમદાવાદમાં રખિયાલ ચાર રસ્તા પાસેથી પસાર થવાનો હોવાની શહેર ક્રાઈમબ્રાંચને મળેલી બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવીને રખિયાલ ચાર રસ્તા પાસેથી ઈકો સ્પોર્ટસ કારમાં પસાર થતાં આરોપીને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં તેણે જણાવ્યું હતું કે, તેણે સીબીઆઈ ઓફિસર રાજેશ મિશ્રા તરીકે પોતાનું ડુપ્લિકેટ ઓળખકાર્ડ બનાવી તેમાં યુનિફોર્મ પહેરેલો ફોટો લગાવ્યો હતો. આ ઓળખકાર્ડના આધારે તે લોકોને સીબીઆઈ અધિકારીની ઓળખ આપી છેતરતો હતો.
સુલતાનખાન ઉર્ફ રાજેશ મિશ્રા તેની ગેંગના સભ્યો સાથે જુદા જૂદા રાજ્યોમાં કાર લઈને ફરતો હતો. તે કારમાં બેસી રહેતો અને તેના સાગરિતો શ્રીમંત લાગતા હોય તેવા લોકોને રોકીને જણાવતા સાહેબ, બોલાવે છે. શ્રીમંત લોકોને સીબીઆઈ અધિકારીની ઓળખ આપી આઈકાર્ડ બતાવતો બાદમાં પોતાના સાગરિતોને બેગ ચેક કરવાનું કહેતો હતો. બેગનો કીંમતી સામાન આરોપીના સાગરિતો કાઢી લેતા અને ફરાર થઈ જતા હતા. આ જ રીતે દાગીના પહેરેલી મહિલાને રોકીને આરોપી સીબીઆઈ અધિકારીની ઓળખ આપી જણાવતો કે, આગળ ખતરો છે. તમારા દાગીના કાઢી પેકેટમાં મુકી દો. આરોપીના સાગરિતો મહિલાને મદદ કરવાના બહાને દાગીના કઢાવી પેકેટમાં મુકવાનો ડોળ કરી પોતાની પાસે રાખતા અને પેકેટ મહિલાને આપી ફરાર થઈ જતા હતા.
Advertisement