ગુજરાત ટી પ્રોસેસર્સ એન્ડ પેકર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું રવિવારે સાંજે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં 49 વર્ષની વયે નિધન થયું હતું. ગુજરાત ટી પ્રોસેસર્સ એન્ડ પેકર્સ લિમિટેડ તેની આઇકોનિક ટી બ્રાન્ડ – વાઘ બકરી ચા માટે સૌથી વધુ લોકપ્રિય છે.
Advertisement
Advertisement
ગઈ 15 ઓક્ટોબરે તેઓ તેમના નિવાસસ્થાન નજીક ઈસ્કોન આંબલી રોડ પાસે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માતમાં તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેમને બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું.
ત્યારબાદ તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને તેમની તબિયત વધુ બગડતાં તેમને હેબતપુર રોડ પરની એક અન્ય પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
દેસાઈ પરિવારની નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી અને તેમના નિધન પહેલાં સાત દિવસ સુધી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. દેસાઈનું રવિવારે સાંજે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે નિધન થઈ ગયું હતું.
દેસાઈએ અમેરિકાના ન્યૂ યોર્કની લોંગ આઈલેન્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું હતું અને પ્રીમિયમ ટી ગ્રૂપના ચોથી પેઢીના ઉદ્યોગસાહસિક હતા. ગ્રૂપના વેચાણ, માર્કેટિંગ અને નિકાસ વિભાગનું નેતૃત્વ કરવા અને બ્રાન્ડને નવી ઊંચાઈઓ પર લઈ જવા ઉપરાંત, દેસાઈ એક ઉત્સાહી ટી ટેસ્ટર અને મૂલ્યાંકનકાર પણ હતા. તેમને પ્રવાસ અને વન્યજીવનમાં ઊંડો રસ હતો અને તેમણે ઉદારતાપૂર્વક કેટલાંક પ્રોજેક્ટ્સ માટે પોતાનો સમય આપ્યો હતો.
Advertisement