ધોરણ 12 સાયન્સ પછીના ડિગ્રી ઈજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની પ્રક્રિયા સરકારની પ્રવેશ સમિતિ (ACPC) દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. ટેકનિકલ શિક્ષણ વિભાગની મંજૂરી મળતા ગઈકાલે પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ કાર્યક્રમની જાહેરાત કરાઈ છે. જે મુજબ 2જી મેથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરુ થશે અને આ વર્ષે બે નવી કોલેજો સાથે 400 બેઠકો હાલ વધતા 68800 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. જોકે કમ્પ્યૂટરમાં ભારે ધસારાને પગલે ઘણી કોલેજોએ બેઠકો વધારો માંગતા અને નવી બ્રાંચ-નવો કોર્સ માંગતા એક હજાર જેટલી બેઠકો વધી શકે છે.
આ વર્ષે ફીમાં વિદ્યાર્થી દીઠ 50 રુપિયાનો વધારો કરાયો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે એક મહિના વહેલી પ્રવેશ પ્રક્રિયા શરુ થઈ રહી છે.
હાલ ધોરણ 12 સાયન્સનું પરિણામ આવ્યું ન હોવાથી વિદ્યાર્થીઓએ માર્કશીટ અપલોડ કરવાની નથી. માત્ર હોલ ટિકિટ અપલોડ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકાશે અને પછીથી પણ માર્કશીટ અપલોડ કરવાની નથી.
આ વર્ષે જેઈઈ અને ગુજકેટ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ જ હાલની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. આ વર્ષે GTU સંલગ્ન ડિગ્રી ઈજનેરીની નવી કોલેજને મંજૂરી મળી અને અન્ય ખાનગી કોલેજને મંજૂરી મળતા હાલ બે નવી કોલેજો સાથે 400 જેટલી બેઠકો વધી છે અને કુલ 68800 જેટલી બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.
કોરોનાને લીધે અગાઉ ત્રણ વર્ષ 300 રુપિયા ફી હતી જે હવે વધારીને 350 રુપિયા કરી દેવામાં આવી છે. આ વર્ષે ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા ડિગ્રી ઈજનેરી, ફાર્મસી, ડિપ્લોમા ઈજનેરી, એમબીએ-એમસીએ, આર્કિટેક્ચર સહિતના વિવિધ કોર્સમાં નવા ઓએસડી સાથે પ્રવેશ સમિતિના સભ્યોમાં મોટા પાયે ફેરબદલ કરી દેવામાં આવ્યા છે.
Advertisement