ગાંધીનગર: ભારતીય હવામાન વિભાગે ચક્રવાત ‘બિપરજોય’ને લઈને મોટી ચિંતા વ્યક્ત કરી છે. બિપરજોયથી મોટા પાયે નુકસાન થવાની આશંકા છે, એટલું જ નહીં, હવામાન વિભાગે ચક્રવાતની ખૂબ વધુ ઝડપ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. IMDએ જણાવ્યું કે ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓને ચક્રવાતને લીધે સૌથી વધુ અસર થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છના નીચાણવાળા વિસ્તારોમાં 3 થી 6 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. આવા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની સલાહ આપવામાં આવી છે.
Advertisement
Advertisement
કચ્છ અને દ્વારકાને સૌથી વધુ અસર થવાની સંભાવના
IMDના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે ચક્રવાત બિપરજોય હાલ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં કેન્દ્રિત છે અને તે ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. તે દ્વારકા અને કચ્છથી લગભગ 200 કિલોમીટર દૂર છે અને તેની અસરથી દ્વારકા સૌથી વધુ પ્રભાવિત થશે. તેમણે એમ પણ કહ્યું કે મંગળવારે તોફાન આંશિક રીતે નબળું પડ્યું હતું, પરંતુ 15 જૂનની આસપાસ તે અત્યંત ખતરનાક ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી સંભાવના છે.
ચક્રવાત બિપરજોય અંગે આઈએમડીના ડાયરેક્ટર જનરલ ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે 15 જૂનની સાંજની આસપાસ આ ચક્રવાત સૌરાષ્ટ્ર, કચ્છ અને પાકિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારોને પાર કરશે. તે સમયે તેની ઝડપ 125-135 કિમી પ્રતિ કલાક હશે, તેની વ્યાપક અસર થઈ શકે છે. 14 અને 15 જૂને ભારે વરસાદ પડશે.
દરમિયાન, મીડિયા સાથે વાત કરતા એનડીઆરએફના ડીઆઈજી મોહસીન શાહિદીએ કહ્યું કે જે વિસ્તારોમાં વધુ નુકસાન થવાની આશંકા છે ત્યાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે, અત્યાર સુધીમાં 28 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અમે NDRFની 17 ટીમો અને SDRFની 13 ટીમો તૈનાત કરી છે. આ ઉપરાંત વધુ 15 ટીમો અનામત રાખવામાં આવી છે. અમારી ટીમો કચ્છ, પોરબંદર, દ્વારકા, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં તૈનાત છે.
Advertisement