અમદાવાદઃ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPLની ફાઈનલ મેચ રમાવાની હતી. પરંતુ ભારે વરસાદના કારણે મેચ રદ્દ કરવી પડી હતી. હવે આ ફાઈનલનું આજે રિઝર્વ ડે પર આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આજે પણ વરસાદની સંભાવના છે. તેને પગલે એવું કહેવામાં આવી રહ્યું છે કે મેઘરાજા નક્કી કરશે કે આજે મેચ રમાશે કે નહીં. ફાઈનલ મેચની વાત કરીએ તો ક્રિકેટના ચાહકો રવિવારે યોજાનારી મેચની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. પરંતુ પવન અને કરા સાથે સતત ભારે વરસાદના કારણે મેચ રદ્દ થતાં મેચ નિહાળનારા પ્રેક્ષકો નિરાશ થયા હતા.
Advertisement
Advertisement
રવિવારે મેચ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો સ્ટેડિયમ પર પહોંચ્યા હતા, પરંતુ મેચ શરૂ થાય તે પહેલા જ વરસાદ વિલન બની ગયો હતો, ત્યારબાદ વરસાદ રોકાય તેની કેટલાય કલાકો સુધી રાહ જોવી પડી હતી, પરંતુ જ્યારે મોડી રાત્રે પણ વરસાદ બંધ ન થયો ત્યારે જાહેરાત કરવામાં આવી હતી કે હવે ફાઇનલ મેચ આજે (સોમવારે) યોજાશે.
પરંતુ હવામાન વિભાગે આજે પણ રાજ્યમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. તેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલીનો સમાવેશ થાય છે. સવારના તાપમાનની વાત કરીએ તો ગઈકાલના વરસાદ બાદ અમદાવાદમાં વાદળછાયું અને ભેજવાળું વાતાવરણ છવાયેલું છે. આજે સવારે શહેરનું મહત્તમ તાપમાન 23 ડિગ્રી નોંધાયું હતું.
અમદાવાદમાં આઈપીએલની શરૂઆત કરનારી બે ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાવાની હતી, પરંતુ વરસાદના કારણે મેચ રમાઈ શકી ન હતી. હવે આજે મેચ રિઝર્વ ડે પર રમાશે. આજે પણ જો વરસાદના કારણે મેચ નહીં રમાય તો ગુજરાત ફરી એકવાર ચેમ્પિયન બની શકે છે, કારણ કે ગુજરાતની ટીમ સૌથી વધુ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. આમ થશે તો ગુજરાત ટાઇટન્સ બીજી વખત IPL ચેમ્પિયન બનશે.
Advertisement