15 ઑગસ્ટ 2023ના રોજ BSFએ જખૌ કિનારે અલગ-અલગ વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધર્યા હતા. તેમાં ત્રણ અલગ-અલગ સ્થળોએથી બીએસએફએ શંકાસ્પદ માદક પદાર્થોના 31 પેકેટ અને હેરોઈનનું 01 પેકેટ જપ્ત કર્યું હતું. ઝડપાયેલા 31 પેકેટમાં દરેક પેકેટનું વજન અંદાજે એક કિલો હતું.
Advertisement
Advertisement
પહેલા તો જખૌ કિનારેથી લગભગ નવ કિમી દૂર નિર્જન શેખરાન પીર બેટમાંથી ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા. જ્યારે બીજા સ્થળે સર્ચ ઓપરેશન દરમિયાન જખૌ કાંઠાથી લગભગ છ કિમી દૂર લુના બેટ પરથી હેરોઈનનું એક પેકેટ ઝડપાયું હતું. આ પેકેટ સફેદ રંગની પ્લાસ્ટિકની થેલીમાં હતું જે 14 ઓગસ્ટ 2023ના રોજ કુંડી બેટમાંથી ઝડપાયેલા પેકેટ જેવું જ હતું.
આ ઉપરાંત અન્ય એક સર્ચ ઓપરેશનમાં જખૌ કિનારેથી લગભગ સાત કિમીના અંતરે આવેલા નિર્જન બકલ બેટ પરથી ચરસના 21 પેકેટ મળી આવ્યા હતા.
દરમિયાન, 14 ઑગસ્ટે BSFએ ભૂજના જખૌ બીચથી લગભગ 11 કિમી દૂર નિર્જન કુંડી બેટમાંથી શંકાસ્પદ માદક દ્રવ્યોના 10 પેકેટ્સ અને 01 પેકેટ હેરોઈન જપ્ત કર્યા હતા. પકડાયેલા 10 પેકેટમાં દરેકનું વજન આશરે એક કિલો હતું. ચરસના દસ પેકેટમાં ‘ડાર્ક સુપ્રિમો બ્લેક કોફી’નું પેકેજિંગ છે અને તે પીળા રંગની પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરવામાં આવ્યું હતું. તેનાથી થોડા મીટરના અંતરે એક સફેદ રંગની પ્લાસ્ટિકની થેલીમાં પેક કરેલું હેરોઈનનું એક પેકેટ મળી આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2023ના મધ્યભાગથી, જખૌ કિનારેથી ચરસના 81 પેકેટ અને હેરોઈનના 10 પેકેટ ઝડપાયા છે. સ્વાતંત્ર્ય દિવસને ધ્યાનમાં રાખીને બીએસએફ ગુજરાત હાઈ એલર્ટ પર છે. બીએસએફ દ્વારા જખૌ તટના વિવિધ વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
Advertisement