ગુજરાત ATSએ એક મોટું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. ATSની ટીમે ઈસ્લામિક સ્ટેટ ઓફ ખુરાસન પ્રોવિન્સ (ISKP)સાથે જોડાયેલા ચાર શખ્સોને ઝડપી લીધા છે. તેઓ પોરબંદરના દરિયાઈ રસ્તેથી અફઘાનિસ્તાન ભાગવાની ફિરાકમાં હતા. જ્યારે એક શખ્સ હજુ ફરાર છે. ધરપકડ કરાયેલા 4 વ્યક્તિમાં એક મહિલાનો સમાવેશ થાય છે. જેમાં 3 કાશ્મીરના છે જ્યારે બે વ્યક્તિ સુરતની છે. ગુજરાત એટીએસની ટીમે આ તમામ વ્યક્તિઓ પાસેથી સંવેદનશીલ ડેટા અને હથિયારો જપ્ત કર્યા છે. આ શખ્સોનું આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું છે.
Advertisement
Advertisement
પ્રતિબંધિત ISKP સાથે જોડાયેલા આતંકીઓ ગુજરાત બોર્ડરેથી ભાગવાની ફિરાકમાં હોવાની માહિતી ATS ને મળ્યા બાદ ઑપરેશન પ્લાન કરાયું હતું. સુરતમાં સુમેરા નામની મહિલાના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યાંથી આતંકી સંગઠનનું સાહિત્ય મળી આવ્યું હતું. સુમેરાની 6 કલાક પૂછપરછ કરતા તેની સાથે જોડાયેલા અન્ય વ્યક્તિઓના નામ ખુલ્યા હતા. તેઓ પોરબંદરથી ભાગવાની તૈયારીમાં હતા. બાદમાં ટીમને પોરબંદર રવાના કરી તેમને પકડી લેવાયા હતા. સુમેરા પાસેથી ચાર મોબાઈલ જપ્ત કરાયા હતા જેના થકી તે બીજાને ઑપરેટ કરતી હોવાની વિગત પ્રાપ્ત થઈ છે. તાલીમ મેળવીને પરત આવી ભારતમાં કે અન્ય દેશોમાં કોઈ કામ કરવાની શક્યતા સુત્રોએ વ્યક્ત કરી હતી.
પકડાયેલા તમામ વ્યક્તિઓ સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખુરાશન પ્રોવિન્સ (ISKP) સાથે જોડાયેલા હતા અને તમામ સંગઠનમાં સક્રિય હતા. તેઓ છેલ્લાં એક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. આ અગાઉ NIAએ તાજેતરમાં જ મધ્યપ્રદેશમાં ISIS સાથે જોડાયેલા ત્રણ લોકોની ધરપકડ કરી હતી, જેમની ઓળખ સૈયદ મામૂર અલી, મોહમ્મદ આદિલ ખાન અને મોહમ્મદ શાહિદ તરીકે થઈ હતી.
Advertisement