રાજકોટ: તાજેતરમાં ગુજરાત ATS દ્વારા આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓની રાજકોટમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય આતંકવાદીઓની રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, એક આતંકવાદી આ અગાઉ પાંચ વર્ષ જેતપુરમાં રહી ચૂક્યો છે. તે સોની બજારમાં બંગાળી કારીગર તરીકે કામ કરતો હતો. હવે આ મામલે તપાસના તાર જેતપુર સુધી પહોંચે તેવી શક્યતા છે.
Advertisement
Advertisement
પ્રાપ્ત માહિતી અનુસાર, અલ-કાયદા માટે કામ કરતા ત્રણ આતંકવાદીઓમાંથી એક સૈફ ઉર્ફે શોએબ નવાઝ નામના આતંકીએ જેતપુર સ્થિત બંગાળી મુસ્લિમ ભાઈઓ મોહમ્મદ ખેરુદ્દીન અને મોહમ્મદ શહાબુદ્દીન શેખને ત્યાં પાંચ વર્ષ સુધી કારીગર તરીકે કામ કર્યું હતું. હાલ સોની બજારમાં મંદી હોવાથી શહાબુદ્દીને રાજકોટ આવીને પોતાનો ધંધો શરૂ કર્યો હતો. રાજકોટમાં પણ તેણે ત્રણ કારીગરોને કામ પર રાખ્યા હતા, તેમાં આતંકવાદી સૈફ નવાઝ પણ સામેલ હતો.
હવે જેતપુરમાં તપાસ સઘન બનાવાશે
જેતપુરના સાડી ઉદ્યોગમાં સ્થળાંતર કરીને આવેલા 50,000 થી વધુ કામદારો કામ કરે છે. એટીએસને પૂછપરછ દરમિયાન એવી માહિતી મળી છે કે રાજકોટમાંથી પકડાયેલા આતંકીઓ અન્ય લોકોને અલ-કાયદા મોડ્યુલ સાથે જોડવાનું અને જેહાદી પ્રવૃતિઓ માટે કામ કરતા હતા, જેથી હવે એટીએસની ટીમ તપાસ માટે જેતપુર પણ પહોંચે તેવી શક્યતા છે.
રાજકોટ પોલીસ એક્શન મોડમાં
બીજી તરફ રાજકોટમાં આતંકીઓની ધરપકડ બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. આતંકવાદીઓની ધરપકડ બાદ હવે બંગાળી કારીગરોને આઈ-કાર્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં, હવેથી અન્ય રાજ્યોમાંથી આવતા કારીગરોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. વેપારીઓએ તમામ કારીગરોની માહિતી પોલીસને આપવાની રહેશે. રજીસ્ટ્રેશન બાદ કારીગરોને આઈડી કાર્ડ આપવામાં આવશે.
Advertisement