અમદાવાદઃ શહેરમાં ફરી એક વખત આગની ઘટના સામે આવી છે. જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા અવધ આર્કેડમાં લાગેલી આગને કારણે અનેક લોકો ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લગભગ એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પહેલા માળે કાચ તોડીને ધુમાડો બહાર કાઢવામાં આવ્યો હતો. બીજી તરફ આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેના કારણે કેટલાંક લોકો પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડીંગમાંથી નીચે કૂદી પડ્યા હતા. બિલ્ડીંગના બેઝમેન્ટમાં લાગેલી આગના ધુમાડા આખા બિલ્ડીંગમાં ફેલાઈ ગયા હતા. આ અકસ્માતમાં બે મહિલા સહિત ચાર લોકોનો આબાદ બચાવ થયો છે.
Advertisement
Advertisement
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર અવધ હોસ્પિટલની લિફ્ટમાં આગ લાગી હોવા અંગે તેમને ફોન આવ્યો હતો. પરંતુ, ઘટનાસ્થળે પહોંચ્યા પછી ખબર પડી કે આગ બિલ્ડિંગના ભોંયરામાં લાગી હતી. લગભગ એક કલાક બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. પરંતુ આગ લાગ્યા બાદ સમગ્ર બિલ્ડીંગમાં ધુમાડો છવાઈ ગયો હતો. જોકે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. આગ પર કાબૂ મેળવાયા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બિલ્ડીંગમાં ફસાયેલા ચાર લોકોને બચાવી લેવાયા છે. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. દુર્ઘટના બાદ સમગ્ર બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું છે.
ફાયર બ્રિગેડના જવાનો પહેલા માળ સુધી સીડી મૂકીને અંદર ગયા હતા અને આગને કારણે બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બચાવ્યા હતા અને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા. બચાવાયેલા લોકો પૈકી કેટલાંક લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ઈમારતમાં માત્ર એક હોટલ જ નહીં પરંતુ કેટલાક કાર શોરૂમ, દુકાનો અને રેસ્ટોરન્ટ પણ છે. સમગ્ર કેમ્પસમાં અફરાતફરી મચી ગઈ હતી. બિલ્ડિંગમાંથી ધુમાડો બહાર કાઢવા માટે કાચ તોડી નાખવામાં આવ્યા હતા.
Advertisement