અમદાવાદઃ શહેરમાં 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની મેચ રમાવાની છે. આ મેચ પહેલા સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધમકી આપનાર વ્યક્તિની રાજકોટથી ધરપકડ કરી છે. ધમકી બાદ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓની પણ મદદ લેવામાં આવી છે. પરંતુ, આ દરમિયાન આરોપીની ધરપકડ કરાતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.
Advertisement
Advertisement
રાજકોટથી કરણ માળી નામના યુવાનને ઝડપી લેવાયો
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળતાં જ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સહિતની સુરક્ષા એજન્સીઓએ તપાસ તેજ કરી દીધી હતી. મૂળ મધ્યપ્રદેશના રહેવાસી કરણ માળી નામના વીડિયો બ્લોગરની ક્રાઈમ બ્રાન્ચે રાજકોટમાંથી ધરપકડ કરી છે. આરોપી કરણ માળીએ 14 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ભારત-પાકિસ્તાન મેચને લઈને ધમકી આપી હતી. ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં કરણે માત્ર મનોરંજન માટે મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપી હતી. એવી શંકા છે કે તેણે જ 500 કરોડ રૂપિયાની માંગણી કરતો ઈ-મેલ પણ મોકલ્યો હતો. હાલ ક્રાઈમ બ્રાન્ચ કરણ માળીની વધુ પૂછપરછ કરી રહી છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનાર આગામી વર્લ્ડ કપ મેચ પહેલા અપાયેલી ધમકીના આરોપીની ધરપકડ અંગે ક્રાઈમ બ્રાન્ચના એડિશનલ સીપી નીરજ કુમાર બડગુજરે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, BCCI.ના સત્તાવાર ઈમેલ આઈડી પર જે ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. તેને ટેકનિકલ અને માનવ સંસાધનો દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો. આ પછી રાજકોટ જિલ્લામાંથી કરણ માળી નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી સામે અગાઉ પણ આવો જ કેસ નોંધાયેલો છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્ટેડિયમમાં જઈને સુરક્ષાની સમીક્ષા કરી
આ ધમકી બાદ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્ટેડિયમમાં જઈને સુરક્ષાનો તાગ મેળવ્યો હતો. સંઘવીની સાથે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ સ્ટેડિયમ પહોંચ્યા હતા. ગૃહ રાજ્ય મંત્રીએ સિનિયર પોલીસ અધિકારીઓ સાથે સુરક્ષાને મુદ્દે બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલેક અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 14 ઓક્ટોબરે અમદાવાદમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહિત 7 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે.
Advertisement