વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનના નિર્માણ દરમિયાન અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી છે. વડોદરાના કરજણમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ પુલના નિર્માણ દરમિયાન એક ક્રેન તૂટી પડતાં એક મજૂરનું મોત નીપજ્યું હતું, જ્યારે અડધો ડઝન મજૂરો ઘાયલ થયા હતા. દુર્ઘટનાની માહિતી મળતા જ જિલ્લા વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ કરજણ તાલુકાના કંબોલા ગામ પાસે આજે સવારે મુંબઈ-અમદાવાદ વચ્ચે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામમાં રોકાયેલી ક્રેન પડી જવાથી અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક યુવા મજૂરનું કરૂણ મોત નીપજયું હતું. આ સાથે છ મજૂરોને ગંભીર ઈજા થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કંબોલા ગામ પાસેના ખેતરમાંથી બુલેટ ટ્રેન પસાર થવાની હોવાથી એલ એન્ડ ટી કંપની દ્વારા પુલ પર ક્રેન લગાવીને કામ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે અચાનક જ ક્રેન પડી જવાથી ક્રેનની નીચે દબાઈ જવાથી એક મજૂરનું મોત થયું હતું. ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
આ અકસ્માતમાં આસપાસની ઘણી દુકાનોને પણ નુકસાન થયું છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે તેમણે એક જોરદાર ધડાકો સાંભળ્યો હતો. એટલે તેઓ દોડી આવ્યા હતા. આ અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના લોકો પણ અહીં એકઠા થઈ ગયા. હાલ મોટાપાયે બચાવ કામગીરી ચાલી રહી છે.
Advertisement