અમદાવાદની એસવીપી હોસ્પિટલના 12મા માળેથી એક યુવતીએ કૂદીને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા બે મહિનાથી આ યુવતી હોસ્પિટલમાં ગાયનેક અને કિડનીની તકલીફથી પીડાતી હોવાથી સારવાર માટે આવતી હતી.
આપઘાતની જાણ થતાં જ હોસ્પિટલનો સ્ટાફ ઘટના સ્થળે દોડીને ગયો હતો અને યુવતીને ઈમરજન્સીમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. જોકે સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદ સરખેજની અલીના શેખ નામની યુવતી એસવીપી હોસ્પિટલમાં ડાયાલિસીસ કરાવવા આવતી હતી. આજે સવારે આ યુવતી તેની નણંદ સાથે આવી હતી. તે હોસ્પિટલમાં 12મા માળે ડાયાલિસીસ કરાવવા માટે ગઈ હતી. આ દરમિયાન તેણે તેની નણંદને પાણી ભરવા માટે મોકલી હતી ત્યારે મોકો જોઈને તેણે હોસ્પિટલના 12મા માળેથી છલાંગ લગાવી દીધી હતી અને ચોથા માળે પટકાઈ હતી.
મેડિકલ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે તે કોઈ કારણસર થોડા માનસિક તણાવમાં પણ રહેતી હતી. પોલીસને જાણ કરવામાં આવતા એલિસબ્રિજ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા હાલમાં મૃતકનું પીએમ કરાવીને તેણે કયા કારણસર આપઘાત કર્યો એ અંગેની વધુ તપાસ શરુ કરી છે.
Advertisement