અમદાવાદ: ગઈ કાલે રવિવારે બપોરે રાજસ્થાનથી મુસાફરોને લઈ આવતી એક બસ રતનપુર બોર્ડર પાસે ટ્રક સાથે અથડાઈને ઉથલી પડી હતી. આ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક બિછીવાડા અને શામળાજીમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. બે મુસાફરોની હાલત નાજુક હોવાથી તેમને સારવાર માટે હિંમતનગર મોકલવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં મૃત્યુઆંક હવે 9 પર પહોંચ્યો છે એટલે કે વધુ બે મુસાફરોના સારવાર દરમિયાન મોત થયાની માહિતી સામે આવી છે. રાજસ્થાનના શ્રમિકો મજુરી માટે અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે અચામક આ અકસ્માત સર્જાયો હતો.
Advertisement
Advertisement
બસ ઉથલી પડતાં 40થી વધુ મુસાફરો ઘાયલ થયા
આજે પણ અકસ્માતના વધુ ત્રણ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. પાટણ જિલ્લાના સાંથલપુર ગામ પાસે ST બસ પલટી જતાં 10 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત સુરેન્દ્રનગરના વણા ગામ પાસે એસટી બસને અકસ્માત નડ્યો છે. બસ ઉથલી પડતાં 40થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. આ અકસ્માત અંગે સુરેન્દ્રનગરના ભાજપના ધારાસભ્ય જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે, દિયોદરથી જૂનાગઢ જતી એસટી બસ વણા ગામ પાસે પલટી મારી ગઈ હતી. બસમાં સવાર 55 થી 60 મુસાફરોમાંથી લગભગ 40ને ઈજાઓ થઈ હતી અને તેમને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે બે મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ટક્કર મારીને ટ્રક ચાલક ફરાર
આ ઉપરાંત રાજકોટ શહેરમાં પણ હિટ એન્ડ રનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના ન્યૂ 150 ફીટ રોડ પર એક ટ્રક ચાલકે ટુ-વ્હીલરને ટક્કર મારી હતી, જેના કારણે એક યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય એક બાળકી ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સિવાય સુરતમાં ત્રણ મિત્રોને અકસ્માત નડ્યો હતો, જેમાં એક યુવકનું મોત થયું હતું અને બે મિત્રોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગરબા રમીને પરત ફરતી વખતે તેમનું બાઇક ઝાડ સાથે અથડાઈ ગયું હતું.
Advertisement