ગાંધીનગરઃ ગુજરાતના 1.65 કરોડ ગ્રાહકોએ હવે લાઇટ બિલની રકમમાં વધારાનો સામનો કરવો પડશે. વીજળી બિલમાં પ્રતિ યુનિટ 25 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જેથી હવે લોકોએ પહેલા કરતા વધુ પૈસા ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. ખાનગી વીજ ઉત્પાદકોને લાભ આપવા માટે યુનિટ દીઠ 25 પૈસાના વધારાથી હવે 1.65 કરોડ ગ્રાહકો પર દર મહિને રૂ. 250 કરોડનો બોજ પડશે.
Advertisement
Advertisement
ગુજરાત ઈલેક્ટ્રીસીટી રેગ્યુલેટરી કમિશને ઈંધણની કિંમત અને પાવર પરચેઝ એગ્રીમેન્ટ (FPPA)ની ફોર્મ્યુલા હેઠળ ગુજરાતના 1.65 કરોડ વીજ ગ્રાહકો પાસેથી યુનિટ દીઠ 25 પૈસાના વધારાને મંજૂરી આપી છે. તેથી હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બરના બિલમાં યુનિટ દીઠ 25 પૈસાનું વધારાનું બિલ ભરવા માટે તૈયાર થઈ જાઓ. એકંદર વધારા સાથે, યુનિટ દીઠ FPPO વધીને 3.35 થયો છે.
ગુજરાત વીજ નિયમન આયોગે આપેલી આ મંજૂરી બાદ ગુજરાતના 1.65 કરોડ વીજ ગ્રાહકોના માથે મોટો બોજ પડશે. વર્ષ 2023-24માં ગ્રાહકો પર 3000 કરોડ રૂપિયાના વીજ ખર્ચનો બોજ પડશે. વર્ષ 2023 દરમિયાન જ ગુજરાતમાં વીજળીના ભાવમાં ત્રીજી વખત વધારો થવા જઈ રહ્યો છે. આ નવા વધારા બાદ હવે લોકોને પ્રતિ યુનિટ 8.54 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.
આ ભાવ વધારો ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ, પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ, મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ અને દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડના ગ્રાહકોને ઓગસ્ટ અને સપ્ટેમ્બરથી લાગુ થશે. પરંતુ રાહતની વાત એ છે કે આ વધારો કૃષિ ગ્રાહકોને લાગુ પડશે નહીં એટલે કે ગુજરાતના ખેડૂતો સિવાય તમામ વર્ગના ગ્રાહકો પર આ ભાવવધારો લાગુ પડશે.
Advertisement