સ્પોર્ટ્સ ડેસ્કઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ આજે છેલ્લાં દિવસે ડ્રોમાં પરિણમી હતી. આ સાથે ભારતે ચાર ટેસ્ટ મેચની બોર્ડર – ગાવસ્કર સિરીઝ 2-1થી જીતી લીધી છે. વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ જ્યારે રવિન્દ્ર જાડેજાને પ્લેયર ઓફ ધ સિરિઝ જાહેર કરાયા હતા.
Advertisement
Advertisement
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે WTCની ફાઈનલ રમાશે
બીજી બાજુ, શ્રીલંકા સામેની મેચમાં છેલ્લાં બોલે ન્યૂઝીલેન્ડનો વિજય થતાં ટોપ -ટુમાં સ્થાન મેળવવાની શ્રીલંકાની આશાનો અંત આવ્યો છે. આ સાથે જ ભારતે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ઓવલ ખાતે 7 જૂનથી શરૂ થનારી ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલમાં તેનું સ્થાન નિશ્ચિત કરી દીધું છે.
ઓસિએ 2 વિકેટે 175 રને બીજી ઈનિંગ ડિકલેર કરી
આજે મેચના છેલ્લાં દિવસે ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે વિના વિકેટે 3 રને અધૂરી રહેલી તેની બીજી ઈનિંગ આગળ ધપાવી હતી. 78 ઓવરની રમતના અંતે ઓસિએ 2 વિકેટે 175 રનના સ્કોરે તેની બીજી ઈનિંગ ડીકલેર કરી હતી. ઓસિ તરફથી ટ્રેવિસ હેડ 90 અને લાબુશ્ગને 63 રન નોંધાવ્યા હતા. આ અગાઉ ગઈકાલે ભારતની પ્રથમ ઈનિંગ 571 રને પૂરી થતાં ભારતે ઓસિ પર 91 રનની સરસાઈ મેળવી હતી.
લાંબા સમય પછી વિરાટ કોહલી ટેસ્ટમાં છવાયો
અત્રે ઉલ્લેખનીય છે કે મેચનો ચોથો દિવસ ભારતના નામે રહ્યો હતો. ભારત તરફથી 15 ચોગ્ગા સાથે સૌથી વધુ 186 રન કોહલીએ નોંધાવ્યા હતા. મર્ફીની બોલિંગમાં તે લાબુશગ્નેના હાથે કેચઆઉટ થયો હતો. ટેસ્ટકારકિર્દીમાં આ કોહલીની 28મી સદી હતી. અગાઉ 23 નવેમ્બર 2019ના રોજ કોહલીએ બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં તેની 27મી સદી નોંધાવી હતી. તેના 1205 દિવસ પછી કોહલીએ તેની 28મી ટેસ્ટ સદી ફટકારી હતી.
ગઈકાલે ભારતે 3 વિકેટે 289 રનથી આગળ રમવાનું શરુ કર્યું હતું. ભારતની પ્રથમ ઈનિંગ 571 રને થઈ હતી. ભારત તરફથી વિરાટ કોહલીએ 186, શુભમન ગિલ 128, અક્ષર પટેલ 79, શ્રીકર ભરત 44 અને ચેતેશ્વર પૂજારાએ 42 રનનું યોગદાન આપ્યું હતું.
Advertisement