કાશ્મીરમાં બારોબર સુરક્ષા એજન્સીઓનો ઉપયોગ કરીને અનેક મોટા માથા સાથે મોટી મોટી વાતો કરીને પોતાની બડાઈ કરનાર અને આખરે પોલીસના હાથે પકડાઈ જનાર કિરણ પટેલ માત્ર એક નથી પરંતુ અનેક છે.
Advertisement
Advertisement
દર વર્ષે અમદાવાદમાંથી જ નિયમિત રીતે નકલી પોલીસના સ્વાંગમાં, પત્રકારોના સ્વાંગમાં કે આઈબી ઓફિસર તરીકે લોકોમાં પ્રભાવ પાડનારા લગભગ વર્ષના અંતે દસથી પંદર જણાં પકડાતા હોય છે. આવો રોફ જમાવનારા લોકોમાં એટલી હદે આત્મવિશ્વાસ હોય છે કે આ પ્રકારની પ્રેક્ટિસ કરતાં કરતાં તેઓ ખરેખર એવા અધિકારી છે એવું સ્વસંમોહન સાધી લેતા હોય છે. જેના કારણે ઝડપથી લોકો તેમના પ્રભાવમાં આવી જાય છે.
ઘણાં કિસ્સામાં વધુ પડતી મહત્ત્વાકાંક્ષાઓ સેવવાથી અને એ પછી એ મહત્ત્વાકાંક્ષાઓ પૂરી ન થાય એટલે કોઈને કોઈ રીતે તે પૂરી કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. થોડા વિશ્વાસુ માણસો મળતા આ પ્રકારનો ખોટો અહમ પૂરો થવા લાગે છે જેના કારણે વ્યક્તિ પોતે ખરેખર કંઈક છે એવું માનવા લાગે છે. આ ખોટા અહમમાં ઘણીવાર ફાયદો થતાં ઘર-પરિવારના લોકો પણ ભળે છે. આમ સામુહિક સ્વીકૃતિને કારણે વ્યક્તિ ખોટી આભા ઊભી કરીને ફર્યા કરે છે.
આવું સતત કર્યા કરવાનું મુખ્ય કારણ અંતર પડેલી મોટા બનવાની તૃષ્ણા જ જવાબદાર છે. ઘણાં કિસ્સામાં પૈસાદાર ઘરના બાળકો પણ પોતાના પર થયેલા દમનને કારણે આ પ્રકારની આભા ઊભી કરવા માટે સમાજમાં એક ખોટી પર્સનાલિટી બનાવે છે.
મનોવૈજ્ઞાનિકના કહેવા પ્રમાણે નાનપણમાં બાળકોની સામે સતત આર્થિક રોકકળ કરવામાં આવતાં પણ બાળકોમાં એક મહત્ત્વાકાંક્ષા બનતી હોય છે અને એ મહત્ત્વાકાંક્ષા યુવાનીમાં પૂરી ના થતાં પણ આ પ્રકારનું વર્તન જોવા મળે છે.
સતત એક જ પ્રકારનો રોફ બતાવીને ફરતાં આવા લોકો વધુ લોકોના સંપર્કમાં આવતાં આખરે ક્યાંકને ક્યાંક પકડાઈ જાય છે. જો કે તેમનો આત્મવિશ્વાસ એટલો ટ્રેઈન્ડ કે કેળવાયેલો હોય છે કે તેમની બોલવાની છટાં અને તેમના કપડાં અને હલનચલન કોઈ પણ વ્યક્તિ પર હાવિ થઈ જાય છે.
મનોવૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર દરેક વ્યક્તિ પોતાને સારું બતાવવા માંગતો જ હોય છે. પરંતુ તેની પ્રતિભામાં કેટલાંક અંશે આંશિક સત્ય જોડાયેલું હોય છે. પરંતુ આ પ્રકારનીhistrionic personality disorder કહેવામાં આવે છે જેમાં વ્યક્તિ અન્ય લોકોને સતત પોતાના તરફ આકર્ષિત કરવામાં અને પોતે કંઈક વિશેષ છે, વધુ સત્તા ધરાવે છે તે બતાવવામાં જ વ્યસ્ત રહે છે.
કોઈને કોઈ રીતે ઉચ્ચ હોદ્દાવાળા લોકોના સંપર્કમાં આવવું અને તેમની સાથે ફોટા પડાવીને અન્ય ઉચ્ચ હોદ્દાવાળા લોકોને ભ્રમમાં નાંખવાની કળા આ પ્રકારના લોકોમાં સહજતાથી વિકસવા લાગે છે.
તેમના સંપર્કમાં આવનારા લોકો પણ આ બધાં માપદંડોથી આકર્ષિત હોવાને કારણે તેમને ઝડપથી સ્વીકૃતિ આપવા લાગે છે.
Advertisement