વિશાલ મિસ્ત્રી રાજપીપલા: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામે નિલકંઠધામ-સ્વામિનારાયણ મંદિર પરિસર ખાતે હિન્દુ સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું કે હિંદુ સમાજ ઢોંગી નંબર 1 છે.પોઇચા ખાતે યોજાયેલા “ પ્રાકૃતિક કૃષિ….પ્રકૃતિના શરણે ” પરિસંવાદ કાર્યક્રમમાં આ વિવાદિત નિવેદનને પગલે હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો છે.આ કાર્યક્રમમાં સંસદ સભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પૂર્વ મંત્રી મોતિસિંહ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
Advertisement
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નાંદોદ તાલુકાના પોઇચા ગામે નિલકંઠધામ-સ્વામિનારાયણ મંદિર પરિસર ખાતે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે લોકો મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા અને ચર્ચમાં જાય છે, એટલા માટે કે પુજા કરીશું તો ભગવાન પ્રસન્ન થશે.પણ જો તમે પ્રાકૃતિક ખેતી કરવાની શરુ કરી દેશો તો ભગવાન આપો આપ પ્રસન્ન થઈ જશે, રસાયણિક ખેતી તો પ્રાણીઓને મારવાનું જ્યારે પ્રાકૃતિક ખેતીથી પ્રાણીઓને જીવનદાન મળે છે.મનુષ્ય ગૌ માતાની પૂજા કરે છે, માથે તિલક લગાવે છે પણ જો ગૌ માતા દૂધ આપતી બંધ થઈ જાય તો ઘરમાંથી બહાર કાઢી મૂકે છે.જે ગૌ માતાનું દૂધ નથી પીતા કે ગૌ માતાને પાળતા પણ નથી એવા લોકો પણ સ્વાર્થ માટે ગૌ માતાની જય બોલાવે છે. એટલે જ કહું છું કે આ દુનિયાના અસંખ્ય પ્રાણીઓમાં મનુષ્ય સૌથી મોટો ઢોંગી, પાખંડી, બનાવટી અને દેખાવો કરનાર પ્રાણી છે, હિન્દુ સમાજ ઢોંગી નંબર 1 છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વધુમાં જણાવ્યું હતું કે કોરોના કાળને બાદ કરતાં છેલ્લા ત્રણેક વર્ષથી પ્રાકૃતિક ખેતીનું અભિયાન ખુબ જ ગતિથી આગળ વધી રહ્યું છે, આ મિશનનો ગુજરાતમાં ડબલ ગતિથી પ્રારંભ થઇ ચૂક્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપ્યું છે અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તેવા સકારાત્મક પગલાં રાજ્ય સરકાર લઇ રહી છે. નર્મદા જિલ્લાના અંદાજે ૧૧ હજાર જેટલાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન લઇને આશરે ૩૩૭૧ એકર જેટલી જમીનમાં પ્રાકૃતિક ખેતી થઇ રહી છે.દેશના ખેડૂતો આત્મનિર્ભર બનશે તો દેશ આત્મનિર્ભર બનશે.ખેડૂતો અને ખેતીને આત્મનિર્ભર બનાવવાનો શ્રેષ્ડ માર્ગ પ્રાકૃતિક કૃષિ છે.ગુજરાતે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા જનઅભિયાન ઉપાડ્યું છે, ત્યારે આગામી સમયમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશનું નેતૃત્વ કરશે.જંગલમાં વૃક્ષ, વનસ્પતિને કોઇ રાસાયણિક ખાતર કે જંતુનાશકો આપવામાં આવતા નથી. છતાં તેનો પ્રાકૃતિક રીતે વૃધ્ધિ-વિકાસ થાય છે. આ જ રીતે ખેતરમાં પ્રાકૃતિક રીતે કૃષિ કરવામાં આવે તે જ પ્રાકૃતિક ખેતી છે.દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ જેટલા સુક્ષ્મ જીવાણુ હોય છે. ગાયનું ગૌમૂત્ર ખનીજોનો ભંડાર છે. દેશી ગાયના છાણ ગૌમૂત્ર, દાળનું બેસણ, ગોળ, પાણી અને માટીના મિશ્રણથી બનતા જીવામૃત અને ઘન જીવામૃત કલ્ચર તરીકે કાર્ય કરે છે.
Advertisement