નવી દિલ્હી: ગુજરાત વિધાનસભા ચૂંટણીની આજે 12 વાગ્યે જાહેરાત થશે. ગુજરાતની 182 વિધાનસભા બેઠક પર આ વખતે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાનમાં છે જેને કારણે ત્રિપાંખીયો જંગ જોવા મળી શકે છે. ચૂંટણી પંચે ચૂંટણીની તમામ તૈયારી પૂર્ણ કરી દીધી છે. માનવામાં આવી રહ્યુ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2 તબક્કામાં યોજાઇ શકે છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે ડિસેમ્બર સુધી ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીની તારીખ જાહેર થતા જ આચાર સંહિતા લાગુ થઇ જશે.
Advertisement
Advertisement
ચૂંટણી પંચે કાર્યક્રમની જાહેરાત માટે 12 વાગ્યે પત્રકાર પરિષદ બોલાવી છે. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે 18 ફેબ્રુઆરીએ પૂર્ણ થઇ રહ્યો છે, તે પહેલા ચૂંટણી કરાવીને ચૂંટણી પરિણામ જાહેર કરી દેવામાં આવશે.
2017માં અપનાવવામાં આવેલી પરંપરાનો હવાલો આપતા પોલ પેનલે ગત મહિને હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખની જાહેરાતની સાથે ગુજરાત ચૂંટણીની જાહેરાત કરી નહતી. હિમાચલ પ્રદેશમાં એક તબક્કામાં 12 નવેમ્બરે ચૂંટણી યોજાશે જ્યારે મતગણતરી 8 ડિસેમ્બરે થશે.
હિમાચલ પ્રદેશ માટે મતગણતરીની તારીખને મતદાનના એક મહિના બાદ રાખતા પંચે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે ગુજરાત માટે પણ મતની ગણતરી 8 ડિસેમ્બરે થશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં બન્ને રાજ્યમાં અલગ અલગ તારીખ પર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ મતગણતરી 18 ડિસેમ્બરે એક સાથે થઇ હતી.
વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકમાંથી ભાજપને 99 બેઠક મળી હતી જ્યારે કોંગ્રેસે 77 બેઠક જીતી હતી. ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી 1998,2007 અને 2012માં એક સાથે યોજાઇ હતી.
ગુજરાતમાં બે તબક્કામાં યોજાઇ શકે છે ચૂંટણી
ગુજરાતમા બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ શકે છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠક તેમજ બીજા તબક્કામાં અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાત, વડોદરા સહિત મધ્ય ગુજરાતની 93 બેઠકો પર ચૂંટણી યોજાઇ શકે છે. ચૂંટણીના પરિણામ હિમાચલ પ્રદેશની સાથે જ 8 ડિસેમ્બરે જાહેર થઇ શકે છે.
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે જ્યારે બીજા તબક્કાનું મતદાન 4 ડિસેમ્બરે યોજાઇ શકે છે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરે આવી શકે છે.
Advertisement