ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુરુવારે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યના 31 જિલ્લામાં કુલ 2, 83,140 વ્યક્તિઓ બેરોજગાર છે. તેમાં 2,70 922 શિક્ષિત લોકો બેરોજગાર હોવાનું અને 12, 218 અર્ધશિક્ષિત લોકો બેરોજગાર હોવાનું જણાયું છે.
Advertisement
Advertisement
કોંગ્રેસના ધારાસભ્યના પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે સત્તાવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 2,70 922 શિક્ષિત અને 12218 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે. જ્યારે સરકારે 4 લાખ 70 હજાર 444 લોકોને ખાનગી રોજગારી આપવામાં સહાય કરી છે. આ ઉપરાંત, સરકારી નોકરીના આંકડાઓ રોજગાર કચેરી પાસે ન હોવાનું પણ સરકારે લેખિત જવાબમાં જણાવ્યું છે.
શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 1,50,000 જેટલા શિક્ષિત બેરોજગારોને સરકારી નોકરી આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે રાજ્યના બેરોજગારોને રોજગારી મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ અનુબંધન પોર્ટલ પર બેરોજગારો નોંધણી કરાવી શકે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત રોજગારી વિનિમય કચેરીઓ દ્વારા જિલ્લા રોજગારી ભરતી મેળા તેમજ રોજગારલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરાય છે.
જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં 14967 બેરોજગાર
દરમિયાન, વિધાનસભા ગૃહમાં આજે જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં રોજગારી અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે જુનાગઢ જિલ્લાના 10323 અને પોરબંદર જિલ્લાના 4644 નોંધાયેલા બેરોજગારો સામે જુનાગઢ જિલ્લાના 4573 અને પોરબંદર જિલ્લાના 4053 બેરોજગારોને રોજગારી આપવામાં આવી છે.
હસ્તકલા કારીગરો માટે સરકારે 15 મેળા યોજ્યા
રાજ્ય સરકારે સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાના પ્રશ્રના જવાબમાં જણાવ્યું કે, ઇન્ડેક્સ્ટ સી કચેરી દ્વારા હાથશાળ અને હસ્તકલા માટે મેળાનું આયોજન કરવામાં આવે છે. સરકારે રાજ્ય બહાર હસ્તકલા કારીગરો માટે 15 મેળા યોજ્યા હતા. તેમાં 2021માં યોજાયેલા 9 મેળામાં 737 અને 2022માં યોજાયેલા 6 મેળામાં 494 હસ્તકલાકારોએ ભાગ લીધો હતો. રાજય બહાર યોજાયેલા મેળામાં હસ્તકલા કારીગરો દ્વારા તૈયાર કરેલી રૂ.1061.26 લાખની કિંમતની સામગ્રીનું વેચાણ થયું છે.
Advertisement