નવી દિલ્હી: પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ લોક કોંગ્રેસના અધ્યક્ષ કેપ્ટન અમરિંદર સિંહ આવતા અઠવાડિયે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થશે. તે પોતાની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસનું ભાજપમાં વિલય કરાવશે. કેપ્ટન અમરિંદર સિંહ સ્પાઇનલ સર્જરી માટે લંડનમાં છે, તેમણે ગત અઠવાડિયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
Advertisement
Advertisement
ભાજપના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય હરજીત ગ્રેવાલે જણાવ્યુ કે અમરિંદર સિંહના લંડન ગયા પહેલા જ તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસનું ભાજપમાં વિલય નક્કી થઇ ગયુ હતુ, તેમના દેશ પરત ફર્યા બાદ તેમની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.
કોંગ્રેસના પૂર્વ નેતા અમરિંદર સિંહે નવેમ્બર 2021માં કોંગ્રેસ પાર્ટીની સભ્યતામાંથી રાજીનામુ આપી દીધુ હતુ. સપ્ટેમ્બર 2021માં પંજાબના મુખ્યમંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા હતા અને ચરણજીત સિંહ ચન્નીને કમાન સોપવામાં આવી હતી. નવજોત સિંહ સિદ્ધૂને કારણે કોંગ્રેસ નેતૃત્વ સાથે અમરિંદર સિંહનો મતભેદ પહેલાથી ચાલી રહ્યો હતો.
અમરિંદરની પાર્ટીનું ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન
કોંગ્રેસ છોડ્યા બાદ અમરિંદર સિંહે નવી પાર્ટીની રચના કરી હતી, તેમણે 20 ફેબ્રુઆરીએ પંજાબ વિધાનસભા ચૂંટણી માટે પંજાબ લોક કોંગ્રેસની રચના કરી હતી. પંજાબ લોક કોંગ્રેસ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિરોમણી અકાલી દળ (સંયુક્ત) સાથે મળીને ચૂંટણી લડી હતી. આ ગઠબંધનમાં અમરિંદર સિંહની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસને 37 બેઠક મળી હતી પરંતુ તેમની પાર્ટીને ચૂંટણીમાં એક પણ બેઠક પર જીત મળી નહતી. મહત્વપૂર્ણ છે કે આ વર્ષે એપ્રિલ મહિનામાં પંજાબ સરકારે પૂર્વ સીએમ અમરિંદર સિંહની સુરક્ષા પણ ઓછી કરી દીધી હતી.
ભાજપનો ચૂંટણીમાં માત્ર 2 બેઠક પર વિજય થયો હતો. પંજાબ લોક કોંગ્રેસના અમરિંદર સિંહ પોતાના ગઢ પટિયાલાથી ખુદ ચૂંટણી હારી ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 જૂને અમરિંદર સિંહની સર્જરી પછી તેમના સ્વાસ્થ્ય અંગે ફોન કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેપ્ટન અમરિંદર સિંહ સાથે સારા સબંધ છે. જ્યારે કેપ્ટન અમરિંદર સિંહ કોંગ્રેસમાં હતા ત્યારે પણ પીએમ મોદી મળતા રહેતા હતા. જ્યારે કોંગ્રેસે અમરિંદર સિંહને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા હતા ત્યારે પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે અમરિંદર સિંહની ભાજપ સાથએ મિલીભગત છે.
Advertisement