નવી દિલ્હીઃ ગૃહમાં અન્ય મુદ્દાઓ પર ચર્ચા પહેલા કિરણ પટેલના કેસની ચર્ચા કરવામાં આવે તેવી માગણી કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં નિયમ 267 હેઠળ કરી છે. ગોહિલે કહ્યું કે કિરણ પટેલને કેવી રીતે ઝેડ પ્લસ સુરક્ષા કવચ આપવામાં આવ્યું અને જ્યાં સામાન્ય નાગરિકોને મંજૂરી નથી એવા વિસ્તારોની મુલાકાત લેવાની તેને શા માટે મંજૂરી આપવામાં આવી. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ગોહિલે માંગ કરી છે કે કિરણ પટેલ પર ચર્ચા માટે રાજ્યસભામાં તમામ ચર્ચા સ્થગિત કરવામાં આવે.
આ સંદર્ભે, તેમણે રાજ્યસભામાં નિયમ 267 હેઠળ, ગૃહમાં તમામ ચર્ચા સ્થગિત કરીને કિરણ પટેલ વિશે તાત્કાલિક ચર્ચા હાથ ધરવાની માગણી કરી છે.
Advertisement
Advertisement
આરોપી ભાજપાનો સભ્ય છે – તેજસ્વી યાદવ
ઠગ કિરણ પટેલની ધરપકડનો મામલો સામે આવતાં જ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે ભાજપા પર નિશાન સાધતા કહ્યું હતું કે આ વ્યક્તિનું નામ કિરણભાઈ પટેલ છે, તે ભાજપાનો સભ્ય છે અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે તેનો ફોટો છે. સુરક્ષા એજન્સીઓ વિપક્ષના નેતાઓની પાછળ છે પરંતુ આ ખૂબ જ ગંભીર બાબત છે.
એટલું જ નહીં, બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે વધુમાં કહ્યું હતું કે દેશની સરકાર અને સુરક્ષા એજન્સીઓએ વિચારવું જોઈએ કે ગુજરાતની એક વ્યક્તિ કેવી રીતે PMOનો સ્પેશિયલ સેક્રેટરી બનીને 4 મહિના સુધી જમ્મુ-કાશ્મીરમાં રહે છે. સેનાની છેલ્લી પોસ્ટ પર જાય છે. તમામ જરૂરી માહિતી લે છે. સુરક્ષા વ્યવસ્થામાં આ એક મોટી ક્ષતિ છે.
કોણ છે કિરણ પટેલ ?
ઠગ કિરણ પટેલ અંગે ખાસ તો કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ, તેના ટ્વિટર પ્રોફાઈલથી જાણવા મળે છે કે તેણે કોમનવેલ્થ યુનિવર્સિટી, વર્જિનિયાથી પીએચડી કર્યું છે. તે સાથે જ તેણે આઈઆઈએમ ત્રિચીથી એમબીએ કર્યું હોવાનું પોતાની પ્રોફાઈલમાં લખ્યું છે. આ ઉપરાંત પોતે MTech હોવાનું અને BE Computer કર્યું હોવાનું પણ કિરણ પટેલે જણાવ્યું છે. સાથે જ તેણે દાવો કર્યો હતો કે તે કેમ્પેઈન મેનેજર, એનાલિસ્ટ અને સ્ટ્રેટેજિસ્ટ છે. જોકે, પોલીસ તેની ડિગ્રીની પણ તપાસ કરી રહી છે. કિરણ પટેલે જમ્મુ – કાશ્મીરની પહેલી મુલાકાત ફેબ્રુઆરીમાં લીધી હતી. આ દરમિયાન તેણે તમામ સરકારી સુવિધાઓનો લાભ લીધો હતો. ઠગે પોતાના ટ્વિટર હેન્ડલ પર જમ્મુ-કાશ્મીરના પ્રવાસ વિશેના અનેક વીડિયો પોસ્ટ કર્યા હતા. તેની સાથે CRPF જવાન પણ જોવા મળ્યા હતા.
Advertisement