ગુજરાતના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. આજે મોડી રાતે કોંગ્રેસની યાદી જાહેર થઈ અને મોડી રાતે જ તેમના ભાજપને અલવિદા કહી દેવાના સમાચાર સામે આવ્યા હતા.
Advertisement
Advertisement
જણાવી દઇએ કે, બીજેપીના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસ સાચાને સાચું અને ખોટાને ખોટું કહેતા ક્યારેય અચકાયા નથી. તેથી જ તો તેમને બીજેપીમાંથી પણ સાઇડલાઈન કરી દેવામાં આવ્યા હતા. અમદાવાદના રહેવાસી જય નારાયણ વ્યાસે ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પિયતના પાણીની સમસ્યાને ઉકેલવા માટે અથાગ મહેનત કરી હતી.
જો બીજેપી દ્વારા તેમને સાઇડલાઈન કરવામાં આવ્યા ના હોત તો ખેરાલુ સહિતના વિસ્તારો અત્યારે લીલાછમ બની ગયા હોત અને લોકોની આવક પણ વધી ગઈ હોત. જોકે, જય નારાયણ વ્યાસની લોકોની સમસ્યાઓની કામગીરીને જોઇને અનેક નેતાઓના પેટમાં તેલ રેડાયું હોવું જોઇએ અને તેમને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ પહેલા જયનારાયણ વ્યાસે અમદાવાદ સર્કિટ હાઉસમાં અચાનક રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતના ખાસ ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. કહેવામાં આવી રહ્યું હતુ કે મુલાકાત બંધબારણે યોજાઇ અને આ બન્ને રાજકારણીઓ વચ્ચે 45 મિનિટ જેટલી ચર્ચા થઇ હતી.
હવે જ્યારે જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાય તેવી વાતોએ જોર પકડ્યું છે, જો આવા દિગ્ગજ નેતા કોંગ્રેસે જોડાય તો તેમને આવકારીને તેમની ક્ષમતાનો ઉપયોગ લોકોની સમસ્યાઓને ઉકેલવા માટે તેમને મોટી જવાબદારી આપી દેવી જોઈએ. ગુજરાતમાં એકમાત્ર જયનારાયણ વ્યાસ જ એવા નેતા રહ્યાં છે, જેઓ ગુજરાત સરકાર, ભાજપ સંગઠન અને કેટલેક અંશે કેન્દ્ર સરકારની કેટલીક નીતિઓના ટીકાકાર રહ્યા છે. બીજેપીના અન્ય નેતાઓએ ક્યારેય પણ કેન્દ્રના કોઈપણ નિર્ણયને પડકારવાની હિંમત કરી નથી.
જયનારાયણ વ્યાસે જણાવ્યું હતુ કે, રાજસ્થાન સરકારે નર્મદાના પાણીના વ્યવસ્થાપનું નમૂનેદાર અને અદ્ભૂત કામ કર્યું છે. તેમણે રાજસ્થાનને મળેલા માત્ર અડધા મિલિયન એકર ફિટ પાણીમાંથી અઢી લાખ એકર જમીનમાં સિંચાઇ સુવિધા ઊભી કરી છે, જ્યારે ગુજરાતને 9 મિલિયન એકર ફીટ પાણી મળે છે અને હજુ ઘણું કામ કરવાનું બાકી છે. કેન્દ્રની પીએમ જય યોજનામાં પરિવારની એક વ્યક્તિ મોંઘી સારવાર લે તો ફરી સુવિધા મળતી નથી, તેને બદલે ગેહલોત સરકારે તમામ વંચિતોને મફત સારવાર ઉપલબ્ધ કરાવી છે –
ચાર મહિના અગાઉ સિદ્ધપુરના સ્વામિનારાયણ મંદિર ખાતે પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. જય નારાયણ વ્યાસ દ્વારા શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સિદ્ધપુર વિધાનસભા મત વિસ્તારના ટેકેદારો તેમજ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ડૉ. જય નારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, સિદ્ધપુરનો વિકાસ રૂધાયો છે. તેઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું. આરોગ્યલક્ષી સેવાઓ પાછળ સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ આ વિસ્તારમાં કર્યો છે, પણ તેમ છતાં કેટલાક લોકોની આડોડાઇને લઇ સ્થિતિ કથળી છે.
આગામી વિધાનસભાની ચૂંટણી મામલે ડૉ. જય નારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં આ વિસ્તારનો વિકાસ કરી શકે, લોકોના પ્રશ્નો વિધાનસભામાં રજૂ કરી શકે તેવા વ્યક્તિની પસંદગી કરજો અને જે વ્યક્તિ આ વિસ્તારના વિકાસમાં સામેલ છે તેની સાથે હું રહીશ.
ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસે 43 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં અનેક નામો એવા છે, જેઓ પોતાના વિસ્તારમાં મોટું નામ ધરાવે છે. તેથી આ વખતે કોંગ્રેસના ઉમેદવારોમાં હર્ષની લાગણી અનુભવાઇ રહી છે. તો બીજી તરફ જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાયા તેવું જણાઇ રહ્યું છે તો આપમાં ગયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ પણ ઘર વાપસી કરી છે. તેવામાં આગામી ચૂંટણીમાં કોંગ્રેસ કંઇ ક નવું તસવીર બનાવી શકે છે.
Advertisement