ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (GSEB)ની પરીક્ષા આજથી રાજ્યના 33 જિલ્લાના 958 પરીક્ષા કેન્દ્રો પર લેવાઈ રહી છે. ધો.10ની પરીક્ષાનું પહેલું પેપર સવારે 10 વાગે શરુ થઈ ગયું છે અને પ્રથમ પેપર ભાષાનું છે. જ્યારે બપોરે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં નામાનાં મૂળતત્ત્વો, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાન વિષયની પરીક્ષા લેવાશે.
Advertisement
Advertisement
રાજ્યભરમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષા યોજાઈ છે. રાજ્યભરમાંથી કુલ 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. ગયા વર્ષે લગભગ 14 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી હતી.
અમદાવાદમાં ગુલાબ આપીને પરીક્ષાર્થીઓનું સ્વાગત
અમદાવાદમાં આજે સવારે 10 વાગ્યાથી ધો.10ની પરીક્ષા શરુ થઈ ગઈ છે. જેના માટે સવારથી જ પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પુર પહોંચી ગયા હતા. હોલ ટિકિટચેક કર્યા પછી વિદ્યાર્થીઓને કેન્દ્રમાં પ્રવેશ અપાયો હતો. સવારે 9.30 વાગે હોલ ટિકિટચેક કર્યા પછી વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાયો હતો. આજે પરીક્ષાનો પ્રથમ દિવસ હતો તેથી અમદાવાદ કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીએ પરીક્ષાર્થીઓનું સ્વાગત કર્યું હતું. પરીક્ષા કેન્દ્રો પર વાલીઓ પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. દરમિયાન પરીક્ષા કેન્દ્રો પર પણ પોલીસ દ્વારા સુરક્ષા બંદોબસ્ત કરાયો છે.
જેલના કેદીઓ પણ પરીક્ષા આપી રહ્યા છે
આ વિદ્યાર્થીઓની સાથે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલના ૫૯ કેદીઓ પણ પરીક્ષા આપી રહ્યા છે. જેમાં ૩૭ કેદી ધોરણ ૧૦ની અને ૨૨ કેદી ધોરણ ૧૨ની પરીક્ષા આપશે. વધુમાં, સુરતની લાજપોર જેલમાં સજા ભોગવી રહેલા 27 કેદી પણ પરીક્ષા આપી રહ્યા છે. સિનિયર જેલરે કહ્યું કે 27 કેદીઓ બોર્ડની પરીક્ષામાં બેસશે. તેમાં 14 કેદી ધો.10ની અને 13 કેદી ધો.12ની પરીક્ષા આપશે. લાજપોર જેલમાં જ તેમની પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.
હેલ્પ લાઈન કન્ટ્રોલ રૂમ કાર્યરત
આજથી શરુ થયેલી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા આગામી ૨૯ માર્ચ સુધી યોજાશે. આ માટે હેલ્પ લાઇન કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. તે સવારના ૭થી રાતના ૮ વાગ્યા દરમિયાન કાર્યરત રહેશે. બોર્ડનો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦૨૩૩૫૫૦૦ છે અને જીવન આસ્થા હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૩૩૩૩૩૦ છે. સ્ટેટ કન્ટ્રોલ રૂમ સંપર્ક નંબર ૯૯૦૯૯૩૮૭૬૮ અને ૦૭૯-૨૩૨૨૦૫૩૮ છે.
Advertisement