ગાંધીનગર: દ્વારકાના ખંભાળિયામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જનસભા સંબોધી હતી. કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. કેજરીવાલે ભાજપને અહંકારી પાર્ટી ગણાવી હતી અને 8 તારીખે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતી હોવાનો દાવો કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે AAPના ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી ખંભાળિયાથી જ વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે.
Advertisement
Advertisement
ખંભાળિયામાં ઇસુદાન ગઢવી માટે પ્રચાર કરતા અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, “હું હાથ જોડુ છુ, આંખો બંધ કરૂ છુ તો લાગે છે કે કોઇ દૈવીશક્તિ છે જે આ સંચાલન કરી રહી છે. શ્રીકૃષ્ણનો આશીર્વાદ છે, દૈવીનો આશીર્વાદ છે. આ જબરદસ્ત માહોલ કેવી રીતે થઇ શકે છે. ગીતામાં પણ લખ્યુ છે જ્યારે પૃથ્વી પર પાપનો ઘડો ભરાઇ જાય છે ત્યારે ઉપરવાળો પોતાની ઝાડુ ચલાવે છે. ઉપરવાળાએ ઝાડુ ચલાવવાનું શરૂ કરી દીધુ છે. ભારતીય જનતા પાર્ટી જઇ રહી છે અને આમ આદમી પાર્ટી આવી રહી છે. આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઇ રહી છે અને તમારો દીકરો ઇસુદાન ગુજરાતનો મુખ્યમંત્રી બનવા જઇ રહ્યો છે. ખંભાળિયાના લોકોને હું સૌથી પહેલા શુભકામના પાઠવવા આવ્યો છું. 8 તારીખ પછી આખી દુનિયા તમને શુભેચ્છા પાઠવશે.”
વધુમાં અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, “તમે લોકોએ અમારી પર આટલો બધો વિશ્વાસ કર્યો, આટલો પ્રેમ કર્યો, આટલો સ્નેહ આપ્યો, હું પણ તમને એક વચન આપુ છુ, હું ગુજરાત આવુ છુ ત્યારે લોકો કહે છે કે કેજરીવાલ અમારો ભાઇ છે, વૃદ્ધ કહે છે કે કેજરીવાલ અમારો પુત્ર છે. હું વચન આપુ છું કે 8 તારીખે અમારી સરકાર બનશે ત્યારે તમારો ભાઇ બનીને, તમારા પરિવારની જવાબદારી કેજરીવાલ નીભાવશે, તમને કોઇ તકલીફ નહી પડવા દઇએ.”
આમ આદમી પાર્ટીના ગુજરાતના મુખ્યમંત્રીનો ચહેરો અને ખંભાળિયા બેઠકના આપના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ કહ્યુ કે, “મોંઘવારી મહિલાઓને નડી છે, કેટલીક મહિલા ધારાસભ્ય-મંત્રી બની પણ મારી બધી બહેનોનો કોઇ વિકાસ થયો નથી, એટલે આપણે નક્કી કર્યુ કે દરેક મહિલાના ખાતામાં આમ આદમી પાર્ટીની સરકાર આવતાની સાથે જ ખાતુ ખોલાવીને રાખજો, દરેક 18 વર્ષની ઉપરની મહિલાના ખાતામાં મહિને 1000 રૂપિયો નાખવાના છીએ.”
આ પણ વાંચો: ‘જામનગરમાં મત આપી શકતા નથી તો લોકો પાસે કેમ મત માંગો છો’, ક્રિકેટર જાડેજાની બહેનના ભાભી રીવાબા પર પ્રહાર
ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવવુ છે- ઇસુદાન
વધુમાં ઇસુદાન ગઢવીએ કહ્યુ કે, “વિજળી મફત મળશે, મહિલાઓને હજાર રૂપિયા મળશે અને ત્રીજુ કામ ભ્રષ્ટાચાર મુક્ત શાસનનું કરીશું. મને ખબર છે ઘણા અધિકારીઓ નાણાં માંગતા હોય છે, કટકીઓ માંગતા હોય છે, કમિશન માંગતા હોય છે,. આપણે ગેરંટી આપીએ છીએ, હું મુખ્યમંત્રી નથી બનવાનો, મુખ્યમંત્રીની શપથ આપણે સૌ સાથે લઇશું અને સાડા છ કરોડ જનતા મુખ્યમંત્રીની શપથ લેશે. તમારી પાસે એક મોબાઇલ હશે, કોઇ અધિકારી કે કર્મચારી લાંચ માંગે તો તેનો ઓડિયો-વીડિયો રેકોર્ડ કરી લેજો, બીજા દિવસનો સૂરજ ઉગે તે પહેલા તે અધિકારી કે નેતા જેલમાં હશે.”1
મહત્વપૂર્ણ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. જ્યારે ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે જાહેર કરવામાં આવશે.
Advertisement