અમદાવાદ: વિચરતી-વિમુક્ત જાતિના લોકોની હાલની સ્થિતિ અને સમસ્યાઓ વગેરે અંગે ચર્ચા-વિમર્શ કરવા અને રાજ્ય સરકાર સમક્ષ તેમની માગણીઓ રજૂ કરવાના હેતુથી વિચરતી-વિમુક્ત જાતિના લોકોની એક રાષ્ટ્રીય સ્તરની બેઠક ‘વિમુક્ત, ઘૂમંતુ, જનજાતિ વિકાસ પરિષદ (અખિલ ભારતીય)’ દ્વારા અમદાવાદમાં યોજાઈ ગઈ. આ બેઠકમાં દેશનાં 22 રાજ્યોમાંથી 44 વિચરતી-વિમુક્ત જાતિના 200થી વધુ લોકોએ ભાગ લીધો હતો. બેઠકમાં ઉપસ્થિત સંગઠનના સંસ્થાપક દાદા ઇદાતે જીએ જણાવ્યું હતું કે, “ઓબીસી જાતિઓનું વર્ગીકરણ કરીને, મહારાષ્ટ્રની જેમ વિચરતી-વિમુક્ત જાતિ માટે 11 ટકા અનામત આપવાની અમે ગુજરાત સરકાર સમક્ષ માગ કરી છે. ઉપરાંત, આ જાતિઓ માટે એક અલગ મંત્રાલય ઊભું કરવા માટે પણ અમે ભારપૂર્વક રજૂઆત કરી છે.”
Advertisement
Advertisement
મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં છે એવી બધી યોજનાઓ ગુજરાતની વિચરતી-વિમુક્ત જાતિ માટે લાગુ કરવી, અનુસૂચિત જાતિ – જનજાતિ માટે છે એવી બધી યોજનાઓ વિચરતી-વિમુક્ત જાતિ માટે પણ લાગુ કરવી, આ જાતિના આર્થિક-સામાજિક વિકાસ માટે રાજ્યના વાર્ષિક બજેટમાં રૂ. 5000 કરોડની જોગવાઈ કરવી, આ જાતિના ક્રિમિલેયર સિવાયના બધા પરિવારોનો બીપીએલ યાદીમાં સમાવેશ કરવો, ટોકન રકમ ડિપોઝિટ તરીકે સ્વીકારીને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 15 ટકા આવાસો ફાળવવામાં આવે, શિક્ષણના અધિકાર કાયદા(આરટીઈ) હેઠળ કુલ 25 ટકામાંથી 10 ટકા અનામત આ જાતિના બાળકો માટે ફાળવવામાં આવે, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમજીવીઓને સામાજિક સુરક્ષા કાર્ડ આપવામાં આવે એવી બેઠક દરમ્યાન ચર્ચા અને રજૂઆત થઈ હતી.
બેઠક દરમ્યાન સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરત પટણીએ જણાવ્યું હતું કે, “રાજ્ય સરકારના રેવન્યુ વિભાગના 6-2-2003ના પરિપત્ર મુજબ વિચરતી-વિમુક્ત જાતિના પરિવારોને બે ગુંઠા જમીન મફત મેળવવાની અરજીઓનો સરકારે સ્થળ ઉપર જ ઝડપથી નિકાલ કરવો જોઈએ.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 40 વિચરતી-વિમુક્ત જાતિઓ છે. તેમના માટે રાજ્ય સરકાર માત્ર વાર્ષિક 5થી 10 કરોડ રૂપિયા ફાળવે છે. પરિણામે, મોટાભાગના પરિવારો લાભથી વંચિત રહી જાય છે. તેથી સરકારે વિચરતી-વિમુક્ત જાતિ નિગમને વાર્ષિક 800થી 1000 કરોડ રૂપિયા ફાળવવા જોઈએ અને તેનો ઉપયોગ આ પરિવારોને ધિરાણ આપવા માટે કરવો જોઈએ.
આ જાતિનાં બાળકોના શૈક્ષણિક વિકાસ માટે રાજ્યના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા તાલુકા મથકો પર નિવાસી શાળાઓ બનાવવાની અને બાળકોના કૌશલ્ય-વર્ધન માટે મુખ્ય મંત્રીના અલાયદા ફંડમાંથી 20 ટકા રકમ વાપરવાનું પણ સૂચન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં સંસ્થાના સ્થાપક આશ્રયદાતા કર્મવીર દાદા ઇદાતેજી, રાષ્ટ્રીય અધ્યક્ષ લક્ષ્મીનારાયણ સિંહ જી (દાદા) અને સંજયભાઈ પટેલ જી, ભૂતપૂર્વ મુખ્ય સચિવ શ્રી એચ.કે. દાસજી, ભૂતપૂર્વ અધિક મુખ્ય સચિવ શ્રી કે.જી. વણઝારાજી, વિમુક્ત વિચરતી આદિજાતિ વિકાસ અને કલ્યાણ બારડ, ભારત સરકારના સભ્ય કે. ભાસ્કર દાસ, સમરસતા મંચના ગુજરાત રાજ્ય મંત્રી ડો.વિજયભાઈ ઝાલા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કંચનતાઈ ખાડે, રાષ્ટ્રીય કાર્ય અનિલ ફડ, બોદ્ધિક સેલના રાષ્ટ્રીય કન્વીનર ડો.બી.કે.લોધીજી, ભરતભાઈ પટણી ઉપસ્થિત રહ્યાં હતા.
Advertisement