ગુજરાત એક્સક્લૂઝિવ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થતાં જ દરેક પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાની પહેલી યાદીમાં 160 અને બીજી યાદીમાં 6 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પ્રથમ યાદીમાં પાટીદાર યુવા નેતા અને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાનાર હાર્દિક પટેલનું પણ નામ સામેલ છે.
Advertisement
Advertisement
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે હાર્દિક પટેલને વિરમગાન બેઠક ઉપરથી ટિકિટ આપી છે. 28 વર્ષીય હાર્દિક પટેલ વર્તમાન ચૂંટણીમાં ઉમેદવારી કરનાર અત્યાર સુધીના સૌથી નાની વયના ઉમેદવાર છે. તેઓ પોતાની પ્રથમ ચૂંટણી લડશે. બીજેપીએ હાર્દિક પટેલને કોંગ્રેસના ગઢમાં કમલ ખિલવવાની ખુબ જ મોટી પડકારભરી જવાબદારી સોંપી દીધી છે.
અનામત આંદોલન પછી કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલે બીજેપીને ખાસું એવું નુકશાન કર્યું છે. બીજેપીમાં જોડાતા પહેલા હાર્દિક પટેલે પીએમ નરેન્દ્ર મોદી સહિતના બીજેપીના દરેક દિગ્ગજ નેતાઓ સામે કડક નિવેદનો આપી ચૂક્યા છે. તેવામાં તેમને કોંગ્રેસનો ગઢ તોડી પાડવાની જવાબદારી અપાતા તેમનું રાજકીય ભવિષ્ય પણ ધૂંધળું દેખાઇ રહ્યું છે. પરંતુ જો હાર્દિક પટેલ વિરમગામની સીટ જીતી લે છે, તો તેમની ગાડી ગુજરાતના રાજકારણમાં ચાલી પડશે.
ભાજપે અનેક દિગ્ગજો અને તેમના સહિયોગીઓને નેવે મૂકીને હાર્દિક પટેલ પર પસંદગી ઉતારી છે. જે હાર્દિક પટેલ માટે ખતરનાક સાબિત થઇ શકે છે. વિરમગામના મૂળ નિવાસી દિગ્ગજ નેતાઓને ટિકિટ આપવામાં આવી ન હોવાથી અને પાટીદાર આંદોલનના નેતૃવ કરવાના કારણે ભાજપના અસંતુષ્ટ નેતા તેને હરાવવાની કોશિશ કરી શકે છે. તો અનેક લોકો હાર્દિક પટેલને ટિકિટ આપવાનો વિરોધ નોંધાવી ચૂક્યા છે.
હાર્દિક મે મહિનામાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યો હોવા છતાં તેને ટિકિટ આપી દેવાના કારણે વિરમગામના વર્ષોથી બીજેપી માટે કામ કરતાં કાર્યકર્તાઓ નારાજગી જોવા મળી રહી છે. તેથી હાર્દિક પટેલે કોંગ્રેસ સામે લડવાની સાથે-સાથે પોતાના જ કાર્યકર્તાઓથી સાવધાન રહીને સીટ જીતવાનું પરાક્રમ કરવું પડશે.
વિરમગામ વિધાનસભા બેઠક પર કોંગ્રેસનું દસ વર્ષથી રાજ
વિરમગામ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ છેલ્લા 10 વર્ષથી ભાજપને હરાવતી આવી છે. ભાજપે છેલ્લે 2007માં કમાભાઇ રાઠોડના નેતૃત્વમાં અંદાજિત 3 હજાર મતથી જીત મેળવી હતી. તે પછી ભાજપ અહિંયા સફળ થયું નથી. તેથી ઉમેદવારોની જાહેરાત પહેલા કમાભાઈને ટિકિટ મળશે તેવી ચર્ચાઓ પણ થઈ રહી હતી. જોકે, હાર્દિક પટેલને ટિકિટ આપીને ભાજપે આશ્ચર્ય સર્જયું હતું.
2022માં ભાજપ કોંગ્રેસની સાથે-સાથે ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ પોતાની દાવેદારી નોંધાવી છે. આમ આદમી પાર્ટીએ સ્થાનિક ઉમેદવાર કુવરજી ઠાકોરેને મેદાનમાં ઉતાર્યા છે. જે કોંગ્રેસ-બીજેપી બંનેને ડેમેજ કરી શકે છે. તો વિધાનસભા બેઠકના કેટલાક સમીકરણ પર નજર ફેરવીએ.
વિરમગામ વિધાનસભાની ડેમોગ્રાફી
વિરમગામ વિધાનસભામાં (Viramgam Assembly Seat) રામપુરા-દેત્રોજ, માંડલ એમ ત્રણ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. 2012 પહેલા આ વિરમગામ- સાંણદ વિધાનસભા એક હતી. જેને 2012માં અલગ કરી વિરમગામ વિધાનસભાને અલગ કરવામાં આવી હતી. જાતિની વાત કરવામાં આવે તો વિરમગામ શહેરમાં સૌથી વધુ મુસ્લિમ સમુદાય જોવા મળે છે. જ્યારે અન્ય સમાજની વાત કરવામાં આવે તો પટેલ, બ્રાહ્મણ, ઠાકોર સમાજની વસ્તી જોવા મળે છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં નાળોદા રાજપુત, ભરવાડ, કોળી સમાજ, કાઠોર, વસ્તી જોવા મળી આવે છે. પરંતુ સમગ્ર વિધાનસભામાં ક્ષેત્રેમાં સૌથી વધુ વસ્તી ઠાકોર સમાજની છે.
વિરમગામ બેઠકના અત્યારસુધીના પરિણામો પર નજર કરીએ તો 1985થી છેક 1995 સુધી આ બેઠક ભાજપના કબજામાં હતી. ત્યારબાદ 1998માં થયેલી ચૂંટણીમાં તેના પર કોંગ્રેસના ઉમેદવાર પ્રેમજીભાઈ વડલાણી જીત્યા હતા. 2012માં કોંગ્રેસના તેજશ્રીબેન પટેલ વિજય થયા હતા. જ્યારે 2017માં પક્ષ પલ્ટો કરીને આવેલા તેજશ્રીબેનને ભાજપે ટીકિટ આપી હતી. કોંગ્રેસના ઉમેદવાર લાખા ભરવાડે તેજશ્રી બેનને હરાવ્યા હતા.
વિરમગામ બેઠક પર મતદારો અને જાતિગત સમીકરણો
અમદાવાદ-જિલ્લાની વિરમગામ વિધાનસભા બેઠકની નવી સીમાંકનની બેઠકમાં પાટીદાર, ઠાકોર, દરબાર, સહિત મતદારો છે. વિરમગામ વિધાનસભા નવા સીમાંકની મુજબની ચૂંટણીમાં કુલ 158 ગામો છે. આ બેઠક પર ગત વર્ષે થયેલી વસ્તી ગણતરી મુજબ મતદારોની સંખ્યામાં વધારો થયો છે. જેમાં કુલ મતદારો 2,98,936 છે. જેમાં પુરુષો 1,54,449 અને સ્ત્રીઓ 1,44,484 સંખ્યા છે.
આ બેઠક પર ઠાકોર, પટેલ, દલીત, મુસ્લિમ, કોળી પટેલ, દરબારો મતદારોનું દબદબો રહ્યો છે. આ બેઠક પર ઠાકોર, કોળી પટેલ બન્ને સમાન જ્ઞાતિ ગણાય છે. આ જ્ઞાતિના મતદારો સૌથી વધુ છે. જ્યારે પટેલ એટલે કે પાટીદાર જ્ઞાતિ બીજા નંબરે છે. આ બેઠક પર એક ડઝનથી વધુ જ્ઞાતિના ઓબીસી વર્ગના મતો નિણૉયક ભૂમિકા ભજવી શકે તેમ છે. તેમજ મુસ્લિમ મતદારોની સંખ્યા વધારે છે.
વિરમગામ વિધાનસભા ક્ષેત્રમાં ઝાલાવાડી કડવા પાટીદાર, વઢીયાર પાટીદાર સમાજ, સુંવાળા પાટીદાર સમાજના મતદારો છે. તેમજ ગામ અટક ઠાકોર જ્ઞાતિનાં મતદારો પણ છે. જેઓની અટક ગામ પર છે. તેવી જુદી જુદી બાવન ગામ અટક છે. આ વિસ્તારમાં મુસ્લિમ અને દાઉદી વ્હોરા સમાજના મતદારો છે. દરબારો, ગરાસિયા દરબારો, નાડોદા રાજપૂત, કારડીયા રાજપૂત વગેરે જ્ઞાતિના મતદારો પણ છે.
ગુજરાતના રાજકારણમાં જીતવા માટે સામેના પક્ષના મત તોડવાની નીતિ ચાલી રહી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને હવે આપ પણ એકબીજા પક્ષના મત તોડવા સતત પ્રયત્ન કરશે.
2022માં કેવી રીતે જીતશે હાર્દિક પટેલ?
આ વખતે વિરમગામની બેઠક પર ત્રિકોણીયો જંગ ખેલાવવા જઇ રહ્યો છે. આમ આદમી પાર્ટીએ ઠાકોર સમાજને ટિકિટ આપીને ભાજપના અનેક વોટો પર કાતર ફેરવી છે. તો મુસ્લિમ મતદાતાઓ પણ આપથી પ્રભાવિત થયેલા હોવાથી કોંગ્રેસને પણ નુકશાન જઈ શકે છે. હાર્દિક પટેલને પોતાના સમાજના તમામ વોટ સહિત ઇતર કોમના મત મેળવવા માટે મહેનત કરવી પડશે. તે ઉપરાંત ઠાકોર, દલીત, મુસ્લિમ, દરબારોના મતોને કોંગ્રેસ-આપમાં વિભાજિત કરવામાં આવે તો હાર્દિક પટેલ જીત મેળવી શકે છે.
વિરમગામ બેઠક ભાજપ એકદમ ઓછા માર્જિનથી ગુમાવી રહી છે. તેથી હાર્દિક પટેલ કોંગ્રેસના મતદાતાઓને વિભાજિત કરવામાં સફળ રહે તો સરળતાપૂર્વક કોંગ્રેસના ગઢમાં કમળ ખિલવી શકે છે. જોકે આ કામ લોઢાના ચણા ચાવવા જેટલું અઘરૂ હોવાથી હાર્દિકને અથાગ મહેનત કરવી પડશે.
તો બીજી તરફ જો કોંગ્રેસનો ઉમેદવાર પોતાની પરંપરાગમત વોટ બેંકના મતદાતાઓને પોતાના પક્ષમાં રાખવામાં સફળ રહે છે, તો હાર્દિકની બાજી બગડી શકે છે. તે ઉપરાંત કોંગ્રેસ વિરમગામની બેઠક પર ક્યાં ઉમેદવારને ઉતારે છે તે બાબત પણ હાર-જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
Advertisement