અમદાવાદ: આ મહિને દિવાળી પહેલા ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઈ શકે છે. ચૂંટણી પંચ 15 ઓક્ટોબર સુધીમાં બંને રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. બંને રાજ્યોમાં ભાજપનું શાસન છે જ્યારે કોંગ્રેસ મુખ્ય વિપક્ષની ભૂમિકામાં છે. સાથે જ આમ આદમી પાર્ટી બંને રાજ્યોમાં ટક્કર આપવાનો પ્રયાસ કરી રહી છે. આ રાજ્યોમાં નવેમ્બરમાં મતદાન થઈ શકે છે.
Advertisement
Advertisement
આયોગે તૈયારીઓની કરી સમીક્ષા
ચૂંટણીપંચે ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા બંને રાજ્યોની મુલાકાત લીધી છે. પંચ હવે માત્ર ચૂંટણી કાર્યક્રમને આખરી ઓપ આપવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે કમિશનની ટીમ બંને રાજ્યોમાં અનુકૂળ હવામાન, શાળાની પરીક્ષાઓ, સ્થાનિક તહેવારો, ખેતી અને અન્ય કેટલાક કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. જેથી ચૂંટણીનો કાર્યક્રમ એવો હોવો જોઈએ કે મતદારો અને મતદાન સાથે સંકળાયેલા સરકારી તંત્રને કોઈ મુશ્કેલી ન પડે.
શું એક સાથે ચૂંટણીની જાહેરાત થશે?
સામાન્ય રીતે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત એક સાથે કરવામાં આવે છે. આ વખતે એવી ધારણા હતી કે જમ્મુ-કાશ્મીરના બદલાયેલા નકશા અને બેઠકોની વધેલી સંખ્યાને કારણે આ રાજ્યોની ચૂંટણીનો કાર્યક્રમ પણ બદલાશે. હવે તાજેતરમાં મુખ્ય ચૂંટણી કમિશનરે સંકેત આપ્યો હતો કે નવેમ્બરમાં જમ્મુ અને કાશ્મીરના ઊંચા પર્વતીય વિસ્તારોમાં તીવ્ર ઠંડીના કારણે અહીંની વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી શકે છે.
છેલ્લી વખત નોટિફિકેશન અલગ-અલગ આવ્યું હતુ
છેલ્લી વખત એટલે કે 2017 માં જો આપણે આ બે રાજ્યો હિમાચલ પ્રદેશ અને ગુજરાતની વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત પર નજર કરીએ, તો ઘણું બદલાઈ હોય તેવું જોવા મળે છે. ઘણા દાયકાઓમાં પ્રથમ વખત બંને રાજ્યોની ચૂંટણીના કાર્યક્રમ અલગ-અલગ દિવસે જાહેર કરવામાં આવ્યા હતા. બંને રાજ્યોમાં 13 દિવસના અંતરાલ બાદ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.
કમિશને 12 ઓક્ટોબરે (2017) સવારે પ્રેસ કોન્ફરન્સ કરવા માટે નોટિસ જારી કરી હતી. તે દિવસે માત્ર હિમાચલ પ્રદેશની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. હિમાચલ પ્રદેશમાં 9 નવેમ્બર 2017ના રોજ મતદાનની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે મત ગણતરીની તારીખ લગભગ 40 દિવસ પછી એટલે કે 18 ડિસેમ્બર રાખવામાં આવી હતી.
આ જાહેરાતના 13 દિવસ બાદ 25 ઓક્ટોબરે ગુજરાતની 14મી વિધાનસભાની 182 બેઠકો માટેની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. હિમાચલ પ્રદેશની ચૂંટણી માટે મતદાનના બરાબર એક મહિના પછી 9મી અને 14મી ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થયું હતું. બંને રાજ્યોની ચૂંટણી માટે 18 ડિસેમ્બરે એક સાથે મતગણતરી થઈ હતી.
ગુજરાતમાં ચૂંટણીની તૈયારીને લઇને શું ચાલી રહ્યું છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી ગઇ છે. દિલ્હીથી નેતાઓના આંટા-ફેરા ગુજરાતમાં વધી રહ્યાં છે. તો પાછલા દિવસોમાં ચૂંટણી પંચના અધિકારીઓ પણ ગુજરાતમાં બે દિવસ રહીને ગયા છે. આ બધા સંકેતોને જોતા લાગી રહ્યું છે કે ગુજરાતમાં દિવાળી પહેલા જ ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022ની જાહેરાત થઈ શકે છે. ગુજરાતમાં અમિત શાહની એન્ટ્રી પણ તેવું સૂચવી રહી છે.
કેન્દ્રીય મંત્રી અમિત શાહે તેમના કાશ્મીર પ્રવાસ પહેલા જ ગાંધીનગર કમલમ ખાતે મહત્ત્વની બેઠક કરી છે. તેમના દ્વારા કમલમ ખાતે પાંચ અલગ-અલગ બેઠકો કરવામાં આવી હતી. ભાજપ હોદ્દેદારોની બેઠકમાં મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય સંગઠન મંત્રી સહિત તમામ નાના-મોટા હાજર રહ્યાં હતા. આ બેઠકોમાં 182 બેઠકોના ઉમેદવારોની કામગીરીના અહેવાલ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપ કોઈ જ રિસ્ક લેવા માંગતી નથી. તેથી કેન્દ્રીય મંત્રી અમિત શાહ પોતે ગાંધીનગર કમલમ ખાતે બેઠકો કરીને પ્લાનિંગ બનાવી રહ્યાં છે. અમિત શાહ પોતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રોડ મેપ તૈયાર કરી રહ્યા છે. ભાજપના ચાણક્ય વધુ એક વખત ગુજરાતમાં ભાજપની સરકાર બનાવવા માટે કામગીરી શરૂ કરી દીધી છે. ચૂંટણી જીતવા ખુબ જ સારી રીતે પ્રચાર કરી શકાય તે માટે બીજેપી દ્વારા મીડિયા હાઉસની પણ શરૂઆત કરી દેવામાં આવી છે.
અમિત શાહની આગેવાનીમાં મીડિયા હાઉસમાં પણ મહત્વપૂર્ણ લોકો અને નેતાઓ સાથે મીટિંગ કર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં સત્તાધારી પાર્ટી બીજેપી 100% એક્ટિવ થઇ હોવાના કારણે પણ અટકળો લગાવવામાં આવી રહી છે કે, ગુજરાતમાં દિવાળી પહેલા જ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થઇ જશે.
Advertisement