ગાંધીનગર: ગુજરાતમાં વર્તમાનમાં અનેક આંદોલનો ચાલી રહ્યાં છે. જોકે, ગુજરાતની ગણી-ગાંઠ્યા સમાચાર પત્રો જ તેને કવર કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, અત્યાર ગુજરાતમાં જૂની પેન્શન યોજનાને લાગૂં કરવા માટે શિક્ષકો, પડતર માંગો ન સ્વીકારાત પૂર્વ સૈનિકોએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે. તે ઉપરાંત એસટી કર્મચારી, આંગણવાડીની બહેનો, હેલ્થ કર્મચારીઓ, ભારતીય કિસાન સંઘ સહિત અનેક સરકારી વિભાગના કર્મચારીઓ સરકાર સામે પોતાની માંગણીઓને લઈને મેદાનમાં ઉતરેલા છે. જોકે, ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ઉપરોક્ત તમામ કર્મચારીઓની માંગણીઓને પૂરી કરવાને લઈને માત્ર આશ્વસન આપ્યું છે.
Advertisement
Advertisement
ગુજરાતના અનેક સરકારી કર્મચારીઓ ગ્રેડ પે અને જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે આંદોલન કરી રહ્યા છે. રાજ્ય સરકારે મંત્રણા કરી સરકારી કર્મચારીઓના યુનિયનના નેતાઓને વિશ્વાસમાં લીધા છતાં ગાંધીનગરમાં અન્ય કર્મચારીઓ, ખેડૂતો અને પૂર્વ સૈનિકોની નારાજગી યથાવત્ રહી છે. બીજી બાજુ, રાજ્યના અનેક શિક્ષકો આજે માસ સીએલ પર ઊતરી ગયા છે. આગેવાનોએ કરેલા સમાધાનથી શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. ગાંધીનગર જૂના સચિવાલય પર મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા છે. જૂની પેન્શન યોજના લાગુ કરવાના કર્મચારીઓએ નારા લગાવ્યા હતા.
શિક્ષકો સોશિયલ મીડિયા પર ઠાલવી રહ્યાં છે આક્રોશ
એક તરફ સોશિયલ મીડિયામાં શિક્ષકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. સરકાર સાથેની મંત્રણા પછી પણ જૂની પેન્શન યોજનાને લઈને વિરોધ યથાવત છે. બીજી તરફ શુક્રવારે નક્કી થયેલી ફોર્મ્યુલા મુજબનો જેમને કોઇ લાભ મળવાનો નથી એમાં પંચાયત હસ્તકના આરોગ્યકર્મચારીઓ, વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર(વીસીઈ), કોન્ટ્રેક્ટ-આઉટસોર્સિંગ કર્મચારીઓ, ભારતીય કિસાન સંઘ, પૂર્વ સૈનિકો વિગેરેનો સમાવેશ થાય છે. ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ખાતે પંચાયતના આરોગ્યકર્મચારીઓ ધરણાં પર બેઠા હતા. તેમણે શનિવારે રસ્તા રોકોનો કાર્યક્રમ પણ જાહેર કર્યો છે.
ભારતીય કિસાન સંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપની ભગિની સંસ્થા હોવા છતાં તેઓ નારાજ છે. રાજ્ય સરકારે હજુ સુધી તેમની સાથે મંત્રણા કરી ન હોવાથી તેઓ શનિવારે પાટનગરના સેન્ટ્રલ વિસ્ટા ખાતે ધરણાં કરશે. ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં રોષની લાગણી છે.
રાજ્ય સરકારની વિવિધ કચેરીઓમાં આઉટસોર્સિંગ, ફિક્સ પગાર અને કોન્ટ્રેક્ટ બેઝ પર કામ કરતા કર્મચારીઓના સંગઠન ગુજરાત જનતા જાગૃતિ મંચે 17 સપ્ટેમ્બરથી આંદોલનની જાહેરાત કરી દીધી છે. તેઓ શનિવારે સવારે 11 વાગ્યે જિલ્લા કલેકટર કચેરીએ ભૂખહડતાળ કરશે. વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર (વીસીઇ) સંગઠના કર્મચારીઓનું આંદોલન સતત નવમા દિવસે પણ ચાલુ છે. શનિવારે ગુજરાતના દરેક જિલ્લામાં તેઓ ભજન અને રામધૂન કરશે. આ ઉપરાંત નગરપાલિકાના કર્મચારી સંગઠન દ્વારા પણ તેમના પ્રશ્નોનો ઉકેલ ના આવે તો ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમકી આપી છે.
નિવૃત સૈનિકો પણ પોતાની માંગને લઇને કરી રહ્યા છે આંદોલન
ગાંધીનગર આંદોલનથી ધણધણી ઉઠ્યુ છે. પડતર માંગો ના સ્વીકારાત પૂર્વ સૈનિકોએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે. સતત ચાર દિવસથી નિવૃત સૈનિકો પ્રદર્શન કરી રહ્યા છે. સચિવાલય ફરતે કેન્ડલ માર્ચ યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. ગાંધીનગરમાં 144 કલમ લાગુ હોવા છતા પૂર્વ સૈનિકો ધરણા પર બેઠા હતા. વધુ એક પૂર્વ સૈનિકની તબીયત લથડતા સારવાર આપવી પડી હતી.
એસટી કર્મચારીઓનું સોશિયલ મીડિયા પર વિરોધ-આંદોલન
અન્ય સરકારી કર્મચારી બાદ હવે એસટી કર્મચારીઓએ પણ આંદોલનની જાહેરાત કરી છે. એસટી કર્મચારી મંડળોના એલાનને પગલે 16 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. એસટી નિગમના ડ્રાઇવર-કંડક્ટરથી માંડીને અન્ય કર્મચારી મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીને મેસેજ મોકલીને વિરોધ પ્રદર્શિત કરશે.
ગાંધીનગરમાં પ્રવેશતા બધાય માર્ગો પર પોલીસ કાફલો ગોઠવાયો
ગાંધીનગરમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા અચાનક એકા એક આંદોલન ઉભા થયા છે. વિધાનસભા જાણે આંદોલનનું મેદાન બન્યુ હોય તેમ લાગી રહ્યુ છે. ગાંધીનગરમાં આંદોલન વધતા પ્રવેશના બધાય માર્ગો પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. આ સાથે જ RAFની પણ મદદ લેવામાં આવી છે. મંત્રી નિવાસસ્થાન-સચિવાલયની કિલ્લેબંધી કરવામાં આવી છે.
Advertisement