દિલ્હીઃ લોકસભામાં મહિલા અનામત બિલ પાસ થયા બાદ હવે આ બિલ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું છે. લગભગ 8 કલાકની લાંબી ચર્ચા બાદ ગઈકાલે લોકસભામાં બિલ પસાર કરવામાં આવ્યું હતું. બિલની તરફેણમાં 454 વોટ પડ્યા જ્યારે તેની વિરુદ્ધમાં 2 વોટ પડ્યા. આ બિલ લોકસભામાં બે તૃતીયાંશ બહુમતી સાથે પસાર થઈ ગયું છે.
Advertisement
Advertisement
જો કે, સરકારે આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી કે આ બિલને વસ્તી ગણતરી પછી જ લાગુ કરવામાં આવશે. આજે રાજ્યસભામાં ભાજપના 14 મહિલા સાંસદો ચર્ચામાં ભાગ લેશે, જ્યારે કોંગ્રેસની 4 મહિલા સાંસદો બિલ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરશે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા રાજ્યસભામાં બિલ પર ચર્ચા શરૂ કરશે. કોંગ્રેસ તરફથી રણજીત રંજન, રજની પાટીલ, ફૂલ દેવી નેતામ અને અમી યાજ્ઞિક ભાગ લેશે.
વિપક્ષે સવાલો ઉઠાવ્યા
આ બિલની વિરૂદ્ધ મતદાન કરનારા AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે હાલ લોકસભામાં OBC માત્ર 22% છે અને અમે મુસ્લિમ મહિલાઓ માટે એક સુધારો પણ દાખલ કર્યો હતો. માત્ર 4% મુસ્લિમ મહિલાઓ છે, તેમને પણ પ્રતિનિધિત્વ મળવું જોઈએ.
લોકસભામાં મહિલા અનામત બિલ પસાર થવા પર કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે અમે બધા ચિંતિત છીએ કે તે એક યુક્તિ છે કારણ કે સીમાંકન અને વસ્તી ગણતરીના સંદર્ભમાં કોઈ સમય નક્કી કરવામાં આવ્યો નથી, તેથી તેનો અમલ ક્યારે થશે તે ખૂબ જ અસ્પષ્ટ બને છે.
દરમિયાન, સપા સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું કે હું તમામ માતાઓ, બહેનો અને દીકરીઓને અભિનંદન આપવા માંગુ છું, એક ઐતિહાસિક બિલ પાસ થઈ ગયું છે. પરંતુ સરકાર તરફથી આ બિલ લાવવામાં વિલંબ થયો છે. હવે જ્યારે ચૂંટણીને 1 વર્ષથી પણ ઓછો સમય બાકી છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને અને INDIA ગઠબંધનની તાકાતને જોતા સરકાર આ બિલ લાવી છે.
સમાજવાદી પાર્ટીના સાંસદ એસ. ટી.હસને કહ્યું કે બિલ પાસ થઈ ગયું તે ખુશીની વાત છે. પરંતુ, એક રીતે મહિલાઓ સાથે છેતરપિંડી થઈ છે. આનો તાત્કાલિક અમલ થશે નહીં. આના અમલીકરણ માટે સીમાંકન થશે. અમને લાગે છે કે તેને લાગુ થતાં હજુ 10-15 વર્ષ લાગશે.
કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે પણ મહિલા અનામત બિલ પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું કે આ બિલ પ્રતીકાત્મક છે. પરંતુ તેને અમલમાં આવવા માટે બે તબક્કામાંથી પસાર થવું પડશે. પ્રથમ સીમાંકન કરવું પડશે અને વસ્તી ગણતરી કરવાની રહેશે, જે 2011 થી કરવામાં આવી નથી. આ બે બાબતો ન થાય ત્યાં સુધી આ બિલ પ્રતીકાત્મક છે. અમે તેનું પ્રતીકાત્મક સમર્થન કરીએ છીએ.
Advertisement