તમિલનાડુના યુવા બાબતો અને રમતગમત મંત્રી ઉદયનિધિ સ્ટાલિને ફરી એકવાર સનાતન ધર્મ પર ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે અસ્પૃશ્યતાને ખતમ કરવા માટે સનાતન ધર્મને નાબૂદ કરવો પડશે. હકીકતે, સ્ટાલિન તમિલનાડુના રાજ્યપાલ આર એન રવિના નિવેદન પર વળતો પ્રહાર કરી રહ્યા હતા.
Advertisement
Advertisement
રાજ્યપાલે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે કમનસીબે આપણા સમાજમાં કેટલાંક ભેદભાવ છે. એક મોટા વર્ગના ભાઈઓ અને બહેનોને સમાનતાની દ્રષ્ટિએ જોવામાં આવતા નથી. હિન્દુ ધર્મમાં આવું કરવા માટે કહેવાયું નથી. આ એક સામાજિક બુરાઈ છે અને તેને ચોક્કસપણે દૂર કરવી જોઈએ.
આ નિવેદન પર વળતો પ્રહાર કરતાં સ્ટાલિને કહ્યું કે જાતિના ભેદભાવને ખતમ કરવા માટે જ સનાતન ધર્મને ખતમ કરી દેવો જોઈએ. તેમણે કહ્યું કે તેઓ માને છે કે જો સનાતનનો નાશ થશે તો અસ્પૃશ્યતાનો પણ નાશ થશે.
ભાજપ અવરોધ ઉભા કરી રહ્યું છે
દરમિયાન તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ઓલ ઈન્ડિયા ફેડરેશન ફોર સોશિયલ જસ્ટિસની કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે આપણે બધા સામાજિક ન્યાય જાળવવા માટે સતત લડી રહ્યા છીએ, પરંતુ ભાજપ તેમાં ઘણાં અવરોધો ઉભાં કરે છે. ગરીબ અને પછાત વર્ગના લોકોની સ્થિતિ સુધરે તેવું ભાજપા ઈચ્છતી નથી. તેમણે કહ્યું કે જ્યારે ડીએમકેએ સરકાર બનાવી ત્યારે અમે સામાજિક ન્યાય નિરિક્ષણ સમિતિની રચના કરી હતી જે સામાજિક ન્યાય યોગ્ય રીતે જળવાઈ રહ્યો છે કે નહીં તેની દેખરેખ રાખશે. તેમણે જણાવ્યું હતું કે એવી જ રીતે, તમામ રાજ્યોએ સામાજિક ન્યાય નિરિક્ષણ સમિતિની રચના કરવી જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉદયનિધિ સ્ટાલિને તમિલનાડુમાં સનાતન એલિમિનેશન કોન્ફરન્સમાં બોલતા કહ્યું હતું કે સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે. કેટલીક બાબતોનો વિરોધ કરી શકાતો નથી, તેને ખતમ જ કરી દેવી જોઈએ. આપણે ડેન્ગ્યુ, મેલેરિયા, કોરોનાનો વિરોધ કરી શકતા નથી, આપણે તેમને ખતમ કરવા પડશે. સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે. તેમના આ નિવેદન અંગે ઉત્તર પ્રદેશના રામપુરના બે વકીલોએ તેમની વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે.
Advertisement