ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સત્રના પહેલા દિવસે વિધાનસભામાં હાજર રહ્યાં હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાડી ભેટ કરી રાષ્ટ્રપતિનું સન્માન કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પેપરલેસ કામગીરીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત વિધાનસભાના નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન (નેવા) પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે તેમણે આશા વ્યક્ત કરી હતી કે તેનાથી વિધાનસભાના કામકાજમાં પારદર્શિતા આવશે.
Advertisement
Advertisement
બુધવારથી શરૂ થયેલા ગુજરાત વિધાનસભાના ચાર દિવસીય ચોમાસુ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ ધારાસભ્યોને પણ સંબોધન કર્યું હતું. તેમણે ઈ-વિધાન એપ્લિકેશનને એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. તેની મદદથી વિધાનસભાને ડિજિટલ હાઉસમાં પરિવર્તિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિએ કહ્યું, “મને વિશ્વાસ છે કે “વન નેશન, વન એપ્લિકેશન”ના ધ્યેયથી પ્રેરિત આ પગલું ગુજરાત વિધાનસભાની કામગીરીમાં વધુ ઝડપ અને પારદર્શિતા લાવશે.”
રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, “એક બાબત પર હું તમારું ધ્યાન દોરવા માંગુ છું તે છે આ ગૃહમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ. આજે જ્યારે મહિલાઓ વિજ્ઞાન અને ટેક્નોલોજી, સંરક્ષણ કે રમતગમત સહિતના દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે ત્યારે રાજકારણમાં પણ તેમનું પ્રતિનિધિત્વ વધવું જોઈએ.”
ખેડૂતોને હક આપવામાં ભારત આગળ
રાષ્ટ્રપતિએ મુર્મુએ કહ્યું કે ભારતે વર્ષ 2001માં જ પ્લાન્ટ વેરાઈટીઝ એન્ડ ફાર્મર્સ રાઈટ્સ એક્ટ (પીપીવીએફઆર) દ્વારા આ મામલે આગેવાની લીધી હતી. PPVFR એક્ટ હેઠળ, ભારતમાં ખેડૂતોને રજિસ્ટર્ડ જાતોના બિયારણનો ઉપયોગ કરવાનો, સાચવવાનો, વેચવાનો અને શેર કરવાનો અધિકાર જેવા ઘણાં અધિકારો મળે છે. ખેડૂતો પોતાની જાતના બિયારણની નોંધણી પણ કરાવી શકે છે, જે ખેડૂતોને સુરક્ષા પૂરી પાડે છે. ક્લાઈમેટ ચેન્જની સ્થિતિમાં પણ તેનું ખૂબ મહત્વ છે, તે યુનાઈટેડ નેશન્સના સતત વિકાસના લક્ષ્યોને પૂર્ણ કરે છે.
મિલેટના ઉત્પાદનને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે
ક્લાઈમેટ ચેન્જને કારણે ભારતીય ખેડૂતો દ્વારા પરંપરાગત પાકો, બરછટ અનાજ વગેરેનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. તેનાથી માત્ર ઇકોલોજીને જ ફાયદો નથી થતો, સાથે જ મિલેટ (મોટાં ધાન) ના ઘણાં સ્વાસ્થ્ય લાભો પણ છે. વર્ષ 2023ને મિલેટના વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિએ પ્લાન્ટ ઓથોરિટી બિલ્ડિંગ અને ઓનલાઈન પોર્ટલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પોર્ટલ પર છોડની વિવિધ જાતોની નોંધણી કરી શકાય છે.
રાષ્ટ્રપતિએ આયુષ્માન અભિયાનનો પ્રારંભ કરાવ્યો
રાષ્ટ્રપતિ મુર્મુએ ગાંધીનગરમાં રાજભવન ખાતે આયુષ્માન અભિયાનનો પણ પ્રારંભ કરાવ્યો હતો. રાજભવનમાં આયોજિત કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કાર્યક્રમમાં ‘આયુષ્યમાન ભવ:’ પહેલ અને સેવા પખવાડિયા મહાઅભિયાનનો શુભારંભ કરાવ્યા પછી બપોરે માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ નવી દિલ્હી જવા રવાના થયા હતા.
Advertisement