અમદાવાદ શહેરમાં તાજેતરમાં પડેલા વરસાદ બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોની સંખ્યામાં અચાનક વધારો થયો છે. અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં વધારો થયો છે. ગયા મહિનાની સરખામણીમાં ડેન્ગ્યુના કેસોમાં ભારે વધારો થયો છે. તેના લીધે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લાં 10 દિવસમાં ડેન્ગ્યુના 218 કેસ નોંધાયા છે. સરકારી હોસ્પિટલોમાં આવતા દર્દીઓના આ આંકડાઓને ખાનગી હોસ્પિટલોના આંકડામાં ઉમેરવામાં આવે તો તેમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.
Advertisement
Advertisement
મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસ સતત વધી રહ્યા છે. તેમાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસ નોંધાયા છે. ગયા મહિનાની સરખામણીમાં કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ગયા મહિને ડેન્ગ્યુના કુલ 805 કેસ નોંધાયા હતા. તેની સરખામણીમાં આ મહિનાના 10 દિવસમાં ડેન્ગ્યુના 218 કેસ નોંધાયા છે.
શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝાડા, ટાઈફોઈડ, કમળો અને કોલેરાના કેસો નોંધાયા
અમદાવાદ શહેરમાં ચાલુ માસના આંકડા પર નજર કરીએ તો ચાલુ માસમાં 10 દિવસમાં ડેન્ગ્યુના 218, મેલેરિયાના 31 અને ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા છે. ઝાડા-ઊલટીના 155, ટાઈફોઈડના 140, કમળાના 61 અને કોલેરાના 3 કેસ નોંધાયા છે. ઓગસ્ટ મહિનામાં ઝાડા-ઉલ્ટીના 784 કેસ, કમળાના 207 કેસ, ટાઈફોઈડના 691 અને કોલેરાના 26 કેસ નોંધાયા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ હેલ્થ ઓફિસર ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા એપ્રિલ મહિનામાં પાણીના ચાર હજાર જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જૂન મહિનામાં 125 અને જુલાઈ મહિનામાં 118 સેમ્પલ લેવામાં આવ્યા હતા. તાજેતરમાં અમદાવાદમાં અચાનક વરસાદ અને બદલાયેલા હવામાનને કારણે લોકો બીમાર પડી રહ્યા છે, લોકોને સાંજે ખૂબ ગરમીનો અનુંભવ થાય છે. પરંતુ સવારે ઠંડીનો અહેસાસ થાય છે. બેવડી ઋતુના કારણે લોકો શરદી, ઉધરસ અને તાવનો ભોગ બની રહ્યા છે.
Advertisement