દિલ્હી: એક તરફ જ્યાં દેશમાં જી-20 શિખર સંમેલનની તૈયારીઓ થઈ રહી છે, તો બીજી તરફ રાષ્ટ્રપતિ દ્વારા ડિનર માટે આપવામાં આવેલા આમંત્રણ પત્રમાં ઈન્ડિયાને બદલે ભારત લખવામાં આવતા વિવાદ ઉભો થયો છે. આ વિવાદ વચ્ચે નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પડકાર ફેંકતાં કહ્યું કે ભાજપ અથવા વડાપ્રધાનમાં હિંમત હોય તો તેઓ તેનું નામ બદલી નાખે. બંધારણમાં સુધારો કરવો એટલું સરળ નથી, અમે પણ જોઈશું કે તમને કોણ સમર્થન આપે છે.
Advertisement
Advertisement
દેશનું નામ બદલવું એ નાનીસૂની બાબત નથીઃ ઓમર અબ્દુલ્લા
‘ઈન્ડિયા – ભારત’ નામના વિવાદ પર મીડિયા સાથે વાત કરતાં નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે તેને કોઈ બદલી શકે નહીં… દેશનું નામ બદલવું એ નાનીસૂની વાત નથી. આ માટે તમારે દેશનું બંધારણ બદલવું પડશે. તમારામાં હિંમત હોય તો કરીને બતાવો, અમે પણ જોઈશું કે કોણ તમને સાથ આપે છે. જો તમે બંધારણ વાંચો તો શરૂઆતમાં જ લખ્યું છે ‘ઈન્ડિયા ધેટ ઈઝ ભારત વીચ ઈઝ યુનિયન ઓફ સ્ટેટ્સ’, તેમાં બંને નામ નોંધાયેલા છે. આ સિવાય ઓમર અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે, શું સંસદમાં તેમની પાસે બે તૃતિયાંશ બહુમતી છે ? અને જો હોય તો પણ તે નામ બદલીને બતાવે.
કેવી રીતે શરૂ થયો વિવાદ?
કોંગ્રેસ પાર્ટીએ જી-20 સમિટમાં ડિનર માટે રાષ્ટ્રપતિ દ્વારા મોકલવામાં આવેલા આમંત્રણ પત્ર પર સવાલ ઉઠાવ્યા હતા. જી-20 સમિટ દરમિયાન ડિનર માટે રાષ્ટ્રપતિ દ્વારા મોકલવામાં આવેલા આમંત્રણ પત્રને લઈને વિવાદ છેડાઈ ગયો હતો, જેમાં ‘પ્રેસિડેન્ટ ઑફ ઈન્ડિયા’ ને બદલે ‘પ્રેસિડેન્ટ ઑફ ભારત’ લખવામાં આવ્યું છે. કોંગ્રેસે તેનો ઉગ્ર વિરોધ કર્યો છે. વિપક્ષનો આરોપ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશનું નામ ઈન્ડિયાથી બદલીને ભારત કરવાની યોજના બનાવી રહ્યા છે. આ પહેલા રાષ્ટ્રીય સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે પણ લોકોને અપીલ કરી હતી કે લોકોએ ઈન્ડિયાને બદલે ભારત શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. આટલું જ નહીં, વિપક્ષ તેને પોતાના નવા ગઠબંધન સાથે પણ જોડી રહ્યો છે, વિપક્ષનું કહેવું છે કે અમારા ઈન્ડિયા ગઠબંધનના કારણે મોદી સરકાર ઈન્ડિયાને ભારતમાં કન્વર્ટ કરવાની યોજના બનાવી રહી છે.
Advertisement