દેશમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન પશ્ચિમ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. શુક્રવારે ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. દેશના પૂર્વ ભાગમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગે શુક્રવારે 19 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તે ઉપરાંત, 9 અને 10 સપ્ટેમ્બરે 14 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Advertisement
Advertisement
હવામાન વિભાગ અનુસાર મહારાષ્ટ્રમાં વિદર્ભ, કોંકણ, ગોવા, કેરળ, છત્તીસગઢના અમુક વિસ્તારો, તેલંગાણા, ઉત્તર તટીય આંધ્રપ્રદેશ, લક્ષદ્વીપ અને ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે બિહાર, ઝારખંડ, પ.બંગાળ, પૂર્વ અને મધ્ય યુપી, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, મરાઠાવાડા, ઉત્તર પૂર્વ ભારત, તટીય કર્ણાટક, ઉત્તર આંતરિક કર્ણાટક અને અંદમાન અને નિકોબાર ટાપુ સમૂહમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
મુંબઈમાં વરસાદનું યલો એલર્ટ
ભારતીય હવામાન વિભાગે મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગીરી, ધુલે, જલગાંવ અને નાસિક જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ જિલ્લાઓમાં 8 સપ્ટેમ્બરે એટલે કે શુક્રવારે ભારે વરસાદ થવાની શક્યતા છે. ગુરુવારે પડેલા વરસાદને કારણે મુંબઈના લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી. જોકે વરસાદના કારણે ટ્રાફિક વ્યવસ્થાને અસર થઈ હતી. ઘણી જગ્યાએ લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો,
ઉત્તરાખંડમાં પણ વરસાદનું એલર્ટ
ઉત્તરાખંડના દહેરાદૂન સહિત પાંચ જિલ્લામાં શુક્રવારે વરસાદ થવાની સંભાવના છે. દહેરાદૂન, ચમોલી, બાગેશ્વર, પિથોરાગઢ અને નૈનીતાલ જિલ્લામાં કેટલાંક સ્થળોએ વરસાદ અને ગાજવીજ માટે હવામાન કેન્દ્ર દ્વારા યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સિવાય ટિહરી, પૌડી અને ચંપાવત જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી શકે છે.
G20 દરમિયાન પણ વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જી-20 સમિટ દરમિયાન નવી દિલ્હીમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે શિખર સંમેલનના સ્થળ ભારત મંડપમની આસપાસ 9-10 સપ્ટેમ્બરે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે અલગથી જી-20 બુલેટિન બહાર પાડ્યું હતું. આ હિસાબે શુક્રવારે પણ આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન તાપમાન 35-39 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. તે જ સમયે, લઘુત્તમ તાપમાન 26-28 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે.
Advertisement