તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિનના પુત્ર અને તમિલનાડુ સરકારના પ્રધાન ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની સરખામણી કોરોના વાયરસ અને મેલેરિયા સાથે કરી હતી. તેમના આ નિવેદન અંગે ઉત્તર પ્રદેશના રામપુરના બે વરિષ્ઠ વકીલો રામ સિંહ લોધી અને હર્ષ ગુપ્તાએ મંત્રી ઉદયનિધિ સ્ટાલિન અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગે વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે.
Advertisement
Advertisement
વકીલોની ફરિયાદના પગલે ‘સનાતન ધર્મ’ પર ટિપ્પણી કરવા બદલ તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિન અને કર્ણાટકના મંત્રી પ્રિયાંક ખડગે વિરુદ્ધ ઉત્તર પ્રદેશના રામપુરમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. રામપુર પોલીસે આ બન્ને નેતાઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 153A,295A હેઠળ એફઆઈ આર દાખલ કરી છે.
મારું નિવેદન કોઈ ધર્મ વિરુદ્ધ નથી – ખડગે
‘સનાતન ધર્મ’ પરના પોતાના નિવેદન અંગે ઉત્તર પ્રદેશના રામપુરમાં નોંધાયેલી એફઆઈઆર વિશે મીડિયા સાથે વાતચીત કરતા કર્ણાટકના મંત્રી પ્રિયાંક ખડગેએ કહ્યું કે તેઓ શું કરે છે તેની મને પરવા નથી. મારું નિવેદન કોઈ ધર્મ વિરુદ્ધ નથી. મેં સ્પષ્ટપણે કહ્યું છે કે જે ધર્મ સમાનતા શીખવતો નથી તે મારા મતે ધર્મ નથી. જો તેમને (ફરિયાદીઓને) એવું લાગે છે કે તેમના ધર્મમાં આવું નથી, તો તે તેમની સમસ્યા છે. મારો ધર્મ બંધારણ છે, અમારે જે કરવું હશે તે અમે કરીશું.
તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનને પૂછવામાં આવ્યું કે શું તેઓ જાતિગત ભેદભાવની પ્રથાઓનું કોઈ ઉદાહરણ આપી શકે છે જેનો અંત લાવવાની જરૂર છે. ત્યારે તેના જવાબમાં તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, આ તેનું હાલનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
દેશની 262 મોટી હસ્તીઓએ CJI ચંદ્રચુડને પત્ર લખ્યો
આ પહેલા ગઈકાલે દેશની 262 મોટી હસ્તીઓએ CJI ચંદ્રચુડને પત્ર લખીને ઉદયનિધિ સ્ટાલિન સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે તમિલનાડુ સરકારના મંત્રી ઉદયનિધિએ તાજેતરમાં એક ટિપ્પણી કરી છે, જે ચિંતાજનક છે. તેમણે સનાતન ધર્મનું અપમાન કર્યું છે અને તેને નષ્ટ કરવાની વાત પણ કરી છે. પત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ઉદયનિધિ દ્વારા આપવામાં આવેલા દ્વેષપૂર્ણ ભાષણનું સ્વતઃ સંજ્ઞાન લેવું જોઈએ, જેને લીધે સાંપ્રદાયિક વૈમનસ્ય અને સાંપ્રદાયિક હિંસા ભડકી શકે તેમ છે.
Advertisement