અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોનો ભોગ લેનાર જેગુઆર કારચાલક તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ અત્યારે જ્યુડિશિયલ કસ્ટડી અંતર્ગત અમદાવાદના સાબરમતી જેલમાં બંધ છે. તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે જામીન અરજી કરી હતી.
Advertisement
Advertisement
તથ્યની અરજી પર 21મીએ સુનાવણી
તથ્ય પટેલે તેના વકીલ મારફતે રેગ્યુલર જામીન અરજી કરી છે. તેમાં તથ્ય પટેલની જામીન અરજી પર સરકારે એફિડેવિટ કરવાની બાકી છે. આ ઉપરાંત, એક મૃતક પરિવાર વતી એડવોકેટ રાજેન્દ્ર શુક્લાએ તથ્યની જામીન અરજી સામે કોર્ટમાં વાંધા અરજી દાખલ કરી છે. આથી હવે તથ્યની રેગ્યુલર જામીન અરજી પર 21મીએ સુનાવણી થશે.
પ્રજ્ઞેશ પટેલની અરજી પર પણ 21મીએ સુનાવણી
પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ જિલ્લા કોર્ટમાં મેડિકલ જામીન અરજી કરી છે. પ્રજ્ઞેશ પટેલની વચગાળાની જામીન અરજી પર આજે ચુકાદો સંભળાવવામાં આવનાર હતો. પરંતુ, ત્રણ મૃતકોના પરિવારે તેમાં વાંધા અરજી રજૂ કરી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા રોનક, કૃણાલ અને અક્ષર વતી પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર એડવોકેટ દર્શન વેગડે વાંધા અરજી રજૂ કરી હતી. આથી હવે કોર્ટ પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર 21 ઓગસ્ટે ચુકાદો સંભળાવશે. ઉલ્લેખનીય છે કે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની અકસ્માત સમયે ઘટનાસ્થળે લોકોને ધમકાવીને, રિવોલ્વર કાઢવાની ધમકી આપવાના ગુના માટે પોલીસે ધરપકડ કરી હતી. પ્રજ્ઞેશ પટેલે અગાઉ રેગ્યુલર જામીન અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી.
તથ્ય પટેલ સામે પોલીસની 1700 પાનાની ચાર્જશીટ
ઇસ્કોન બ્રિજ દુર્ઘટનાના મુખ્ય આરોપી તથ્ય પટેલ સામે પોલીસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. તથ્ય પટેલ વિરુદ્ધ 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. તેમાં આરોપી તથ્ય પટેલ, તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 50થી વધુ લોકોના નિવેદન છે. આ ઉપરાંત એફએસએલ રિપોર્ટ, બાઇક સવાર દ્વારા લેવાયેલા વીડિયોના આધારે તૈયાર કરાયેલ સ્પીડ રિપોર્ટ, જગુઆર કારનો ટેકનિકલ અને સ્પોટ રિપોર્ટ તેમજ આરોપી તથ્યના ડીએનએ સહિત અનેક રિપોર્ટ પણ ચાર્જશીટમાં જોડવામાં આવ્યા છે. તેમાં આઈપીસી કલમ 308 (હત્યા) ઉમેરવાની પરવાનગી મળ્યા બાદ તે કલમ સહિત વિવિધ કલમો લગાવવામાં આવી હતી.
થઈ ઈસ્કોન બ્રિજ દુર્ઘટના ?
19-20 જુલાઈની મોડી રાત્રે, ઇસ્કોન બ્રિજ પર એક ભયાનક અકસ્માત થયો હતો, જેમાં 10 લોકોના મોત થયા હતા, જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. અમદાવાદની આ ઘટનાને શહેરનો અત્યાર સુધીનો સૌથી મોટો અકસ્માત કહી શકાય જેમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડનું પણ મોત થયું છે. હકીકતે, ઇસ્કોન બ્રિજ પર થાર કાર અને ડમ્પર વચ્ચે ટક્કર થઇ હતી. જેને જોવા માટે બ્રિજ પર લોકોની ભીડ ઉમટી પડી હતી. અકસ્માત બાદ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂરઝડપે આવેલી જગુઆર કાર લોકોને કચડીને આગળ વધી ગઈ હતી.
Advertisement