રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ અને નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ, તેમણે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ તેમની સાથે હાજર હતા. આ પ્રસંગે પીએમ મોદીએ વિશાળ જનસભાને પણ સંબોધી હતી. આ દરમિયાન તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.
Advertisement
Advertisement
જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ રાજકોટ તેમજ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે મોટો દિવસ છે. જે પરિવારોએ કુદરતી આફતોને કારણે ઘણું સહન કર્યું છે એવા પરિવારો પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરવા માંગુ છું . ભૂપેન્દ્ર સરકાર શક્ય તેટલી વહેલી તકે તમામ પરિવારોનું જીવન સામાન્ય બનાવવા માટે કામ કરી રહી છે, તેમાં કેન્દ્ર સરકાર પણ શક્ય તમામ મદદ કરી રહી છે.
આ પ્રસંગે પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે મેં કહ્યું હતું કે ગુજરાત તો મીની જાપાન બની રહ્યું છે, ત્યારે ઘણાં લોકોએ મારી મજાક ઉડાવી હતી, પરંતુ આજે તમે તે શબ્દોને સાચા સાબિત કરી દીધા છે. હવે અહીંના ખેડૂતો માટે ફળો અને શાકભાજી વિદેશ મોકલવાનું સરળ બની જશે. રાજકોટને માત્ર એરપોર્ટ નહીં પરંતુ નવી ઉર્જા-નવી ઉડાન આપનારું પાવરહાઉસ મળ્યું છે. આજે જ્યારે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે કેટલાંક લોકોને પરેશાની થઈ રહી છે, આજકાલ આ ભ્રષ્ટાચારીઓ અને પરિવારવાદીઓએ પોતાના ગ્રુપનું નામ બદલી નાખ્યું છે. પણ ચહેરાઓ એ જ જૂના છે, પાપ પણ જૂના છે, રીતરસમ, ઈરાદાઓ પણ એ જ છે, બસ નામ બદલી નાખ્યું છે.
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિવિધ વિકાસ પ્રોજેક્ટના ઉદ્ઘાટન બાદ જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારી અને રશિયા-યુક્રેન યુદ્ધ છતાં પણ અમારી સરકારે મોંઘવારી કાબૂમાં રાખી છે. આજે આપણા પાડોશી દેશોમાં મોંઘવારી 25-30%ના દરે વધી રહી છે. પરંતુ, ભારતમાં એવું નથી. અમારી સરકાર મધ્યમવર્ગના ખિસ્સામાં વધુમાં વધુ બચત કરવાનો પ્રયાસ કરી રહી છે.
Advertisement