દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રનો આજે પાંચમો દિવસ છે, આ દરમિયાન લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ મણિપુર મુદ્દે મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. તેમણે કહ્યું કે ચર્ચાની તારીખ પછીથી નક્કી કરવામાં આવશે. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી, ત્યારબાદ 50થી વધુ સાંસદોએ તેનું સમર્થન કર્યું હતું.
Advertisement
Advertisement
ગૌરવ ગોગોઈએ રજૂ કરી અવિશ્વાસની દરખાસ્ત, લોકસભા અધ્યક્ષની મંજૂરી
જણાવી દઈએ કે કોંગ્રેસ સાંસદ અને ઉત્તર પૂર્વના નેતા ગૌરવ ગોગોઈએ મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. કોંગ્રેસે આ માટે તેના સાંસદોને વ્હીપ પણ જારી કર્યો છે. લોકસભા અધ્યક્ષે આ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. હાલ બંને ગૃહોમાં હોબાળો ચાલી રહ્યો છે. મણિપુર મુદ્દે પીએમ મોદીના નિવેદનની માંગને લઈને વિપક્ષ રાજ્યસભા અને લોકસભા બંનેમાં આક્રમક વલણ અપનાવી રહ્યું છે.
સોનિયા ગાંધીની AAP સાંસદ સાથે મુલાકાત
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી આજે સંસદ પહોંચ્યા હતા અને તેમણે AAP સાંસદ સંજય સિંહ સાથે મુલાકાત કરી હતી. સંજય સિંહ અને કોંગ્રેસના સાંસદ રજની પાટીલને સંસદના બાકીના ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
અમે જાણીએ છીએ કે અમારી પાસે સંખ્યા નથી: મનોજ ઝા
આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું કે અમે જાણીએ છીએ કે અમારી પાર્ટી પાસે સંખ્યાબળ નથી. પરંતુ, લોકશાહી માત્ર સંખ્યા બળ પર આધારિત નથી. મણિપુર સળગી રહ્યું છે અને લોકો પીએમના નિવેદનની રાહ જોઈ રહ્યા છે. કદાચ અવિશ્વાસ પ્રસ્તાવના બહાને તેમને કંઈક કહેવાની ફરજ પડે. તે જ અમારા માટે સૌથી મોટી સિદ્ધિ હશે.
Advertisement