અમદાવાદઃ આજથી સમગ્ર રાજ્યમાં એક મહિનાનું વિશેષ અભિયાન શરૂ કરવામાં આવશે. જેમાં રોડ પર ઓવર સ્પીડિંગ અને સ્ટંટબાજી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગઈકાલે રાત્રે રાજ્યભરના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં ડીજીપી વિકાસ સહાયે આ અભિયાન શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ મહત્વની બેઠકમાં આદેશ આપવામાં આવ્યો છે કે આ અભિયાન ખાસ કરીને રાત્રીના સમયે ચલાવવામાં આવે અને નિયમોની અવગણના કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
Advertisement
Advertisement
એક મહિના સુધી સમગ્ર રાજ્યમાં ચાલશે વિશેષ અભિયાન
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ ગુજરાત પોલીસ ટ્રાફિકના નિયમો વિશે રાજ્યભરમાં મેગા ડ્રાઈવ હાથ ધરવા જઈ રહી છે. આ મેગા ડ્રાઈવ આજથી એક મહિના સુધી ચાલશે. આ મેગા ડ્રાઈવ ઓવરસ્પીડર્સ, સ્ટંટમેન અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે ચલાવવામાં આવશે. ઉચ્ચ અધિકારીઓએ નિયમો તોડનારાઓના વાહનો સીધા પોલીસ સ્ટેશન લઈ જઈને કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. એટલું જ નહીં, કોઈની ભલામણથી પણ કાયદેસરની કાર્યવાહી અટકાવવામાં આવશે નહીં.
ડીજીપીએ કડક આદેશ આપ્યો
ગુજરાતના DGPએ ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક મહિનાની પોલીસ સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવાનો આદેશ આપ્યો છે, જેમાં ઓવરસ્પીડે ગાડી ચલાવવી, ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવી, સ્ટંટ કરનારાઓની ધરપકડ કરવી, લાઇસન્સ ન હોવું, હેલ્મેટ ન પહેરવું, સિગ્નલનું ઉલ્લંઘન કરવું અને ખોટી રીતે ડ્રાઇવિંગ કરનારા સામે પગલાં લેવામાં આવશે.
ઈસ્કોન બ્રિજ દુર્ઘટના ક્યારે થઈ ?
19 – 20 જુલાઈની મોડી રાત્રે, ઇસ્કોન બ્રિજ પર એક ભયાનક અકસ્માત થયો હતો, જેમાં 10 લોકોના મોત થયા હતા, જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. અમદાવાદની આ ઘટના શહેરની અત્યાર સુધીની સૌથી મોટી દુર્ઘટના કહી શકાય. વાસ્તવમાં ઇસ્કોન બ્રિજ પર થાર કાર અને ડમ્પર વચ્ચે ટક્કર થઈ હતી. જેને જોવા માટે બ્રિજ પર લોકોની ભીડ ઉમટી પડી હતી. અકસ્માતને પગલે પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી ખૂબ ઝડપે આવેલી એક જગુઆર કાર લોકો પર ફરી વળી હતી. આ અકસ્માત બાદ હવે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને આગામી એક મહિના સુધી ડ્રાઈવ ચલાવવાનો નિર્ણય લીધો છે.
Advertisement