કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી શુક્રવારે ગ્વાલિયરની મુલાકાતે હતા. 40 દિવસમાં પ્રિયંકા ગાંધીની મધ્યપ્રદેશની આ બીજી મુલાકાત છે. રાજ્યમાં વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તે સંજોગોમાં પ્રિયંકાની ગ્વાલિયર પ્રદેશની મુલાકાતના અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે. ગ્વાલિયરમાં પ્રિયંકા ગાંધીએ જન આક્રોશ રેલીને સંબોધી હતી અને રાજ્યની શિવરાજ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
Advertisement
Advertisement
પ્રિયંકાએ પોતાના ભાષણની શરૂઆત બુંદેલી સંબોધનથી કરી હતી. તેમણે શિવરાજ સરકાર પર પ્રહારો કરતાં કહ્યું કે ભાજપ સરકારે મધ્યપ્રદેશને જુઠ્ઠાણાની રાજધાની બનાવી દીધી છે. પ્રિયંકાએ આક્ષેપ કર્યો હતો કે શિવરાજ સિંહ જૂઠાણાનું મશીન છે, જાહેરાતોનું મશીન છે, કૌભાંડોનું મશીન છે. પ્રિયંકાએ બેરોજગાર યુવાનોનો મુદ્દો ઉઠાવતા કહ્યું યુવાનો ભરતી માટે અભ્યાસ કરે છે. પછી પરીક્ષામાં કૌભાંડો થાય છે. આ સમસ્યાઓનો ઉકેલ શું છે?
પ્રિયંકાએ પ્રધાનમંત્રી મોદી પર પ્રહાર કરતાં કહ્યું, ‘મણિપુરમાં મહિલાઓ સાથે અત્યાચાર થઈ રહ્યો છે. બાળકોને કોઈ આશરો નથી. PM 77 દિવસમાં એક પણ શબ્દ ન બોલ્યા. ગઈકાલે, મજબૂરીમાં, જ્યારે એક ભયાનક વીડિયો વાયરલ થયો, ત્યારે મજબૂરીને લીધે નિવેદન આપ્યું અને તેમાં પણ રાજકારણ કર્યું અને જ્યાં વિપક્ષની સરકાર છે એવા રાજ્યોના નામ લીધા.” પ્રિયંકાએ ઉમેર્યું, ‘આપણા દેશમાં એવી સરકાર કેમ છે જેણે દેશની આખી સંપત્તિ એક-બે લોકોને વેચી દીધી છે. પ્રિયંકા ગાંધીએ પ્રશ્ર કર્યો હતો કે તમને પ્રામાણિક સરકાર જોઈએ છે કે નહીં.
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ઉમેર્યું કે મોંઘવારીથી બધાની કમર તોડવામાં આવી રહી છે. બાળકોનું શિક્ષણ મોંઘુ થયું છે. મહિલાઓ મોંઘવારીનો સૌથી વધુ બોજ સહન કરી રહી છે. હજાર રૂપિયાથી ઓછા ભાવે ગેસ સિલિન્ડર મળતાં નથી. કોંગ્રેસ મહામંત્રીએ કહ્યું કે ખોટી વ્યક્તિના હાથમાં સત્તા આપવાથી લૂંટ જ થશે, જે તમારા રાજ્યમાં થઈ રહી છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં આદિવાસીઓ, દલિતો પર અત્યાચાર થઈ રહ્યો છે. અંતમાં પ્રિયંકા ગાંધીએ બુંદેલીમાં ભાજપ સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે આ ઝાંસીની રાણીની ભૂમિ છે, ગ્વાલિયરની ભ્રષ્ટ સરકાર બદલાઈ જવાની છે.
Advertisement