અમદાવાદઃ દેશના અનેક ભાગોમાં સતત વરસાદના કારણે લોકોમાં હાહાકાર મચી ગયો છે. છેલ્લાં કેટલાક દિવસોથી સતત પડી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. દરમિયાન, ગુજરાત હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે સવારે અમદાવાદ શહેરના કેટલાંક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી છે.
Advertisement
Advertisement
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આજે સવારે વરસાદ વરસ્યો હતો, બપોર સુધી અનેક વિસ્તારોમાં અવાર-નવાર વરસાદ પડ્યો હતો, અમદાવાદમાં છેલ્લાં કેટલાંક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે, જેના પરિણામે ગરમીનું પ્રમાણ વધ્યું છે. દરમિયાન હવામાન વિભાગે ફરી એકવાર ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અમદાવાદનું આકાશ વાદળછાયું છે જેના કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે.
ગુજરાતમાં 18 જુલાઈએ ભારે વરસાદની સંભાવના
IMD એ આગામી પાંચ દિવસ સુધી પશ્ચિમ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જ્યારે કોંકણ અને ગોવામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ પડશે. 18 જુલાઇએ ગુજરાતમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
યુપીથી ચોમાસુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસાનું ટર્ફ દક્ષિણ યુપીથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ ટર્ફને કારણે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડશે. 18મી જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં 17 થી 18 જુલાઇ વચ્ચે ટર્ફ આવી પહોંચે તેવી સંભાવના છે. તમને જણાવી દઈએ કે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી છે.
Advertisement