અમદાવાદઃ ગુજરાત ભાજપના નેતા અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હાર્ટ એટેકના કારણે તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર છે. પરંતુ તેમને એન્જિયોગ્રાફી કરાવવાની સલાહ આપવામાં આવી છે.
Advertisement
Advertisement
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 1990માં પ્રથમ વખત મંત્રી બન્યા હતા. ત્યાર બાદ તેઓ 2019ની વિધાનસભા ચૂંટણીમાં ધોળકા બેઠક પરથી જીતીને શિક્ષણ મંત્રી અને કાયદા મંત્રી બન્યા હતા. ઉપરાંત, તેમને સંગઠનના મોટા નેતા માનવામાં આવે છે. ગત વર્ષની વિધાનસભાની ચૂંટણીમાં તેમની જગ્યાએ કિરીટસિંહ સરદારસિંહ ડાભીને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને તેઓ પણ જીત્યા હતા.
2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમદાવાદની ધોળકા બેઠક પર નજીવી સરસાઈથી જીત્યા હતા. તેમણે કોંગ્રેસના રાઠોડ અશ્વિનને 327 મતોના ખૂબ ઓછાં માર્જિનથી હરાવ્યા. કોંગ્રેસ ઉમેદવારે ગુજરાત હાઈકોર્ટમાં તેમની જીતને પડકારી હતી. ત્યારબાદ કોર્ટે તેમની ચૂંટણી રદ્દ કરી દીધી હતી. હાઈકોર્ટના નિર્ણય સામે ચુડાસમાએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો જન્મ 8 મે 1950ના રોજ થયો હતો. તેમની માતાનું નામ કમળાબા મનુભા ચુડાસમા અને પત્નીનું નામ ક્રિષ્નાબા ચુડાસમા છે. તેમના શિક્ષણની વાત કરીએ તો તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી 1970માં બીએ અને 1973માં બીએડ અને એલએલબી કર્યું છે.
Advertisement