છેલ્લાં થોડાં દિવસોથી ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ટામેટાંના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશભરમાં ટામેટા 150થી 200 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યાં છે. હવે ચોરોની નજર ટામેટાં પર પડતાં અનેક જગ્યાએ ટામેટાની ચોરીની ઘટના બહાર આવી રહી છે. સુરતમાં પણ એક ચોરે ટામેટાંની ચોરી કરી હતી. આ ઘટનામાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. ચોરના કમનસીબે ટામેટાની ચોરીની આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તેની ધરપકડ કરી છે.
Advertisement
Advertisement
સુરતના કાપોદ્રાની ઘટના
બજારમાં શાકભાજીના ભાવ વધતા લોકોની જીવન જરૂરિયાત એવા શાકભાજીની પણ ચોરી થવા લાગી છે. ત્રણ દિવસ પહેલા સુરતના મોટા વરાછા વિસ્તારમાંથી બટાકાની ચોરી થઈ હતી. હવે ટામેટાની પણ ચોરીની ઘટના બહાર આવી છે. છેલ્લાં કેટલાંક દિવસથી ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે. બજારમાં ટામેટાના ભાવ કિલોદીઠ રૂ. 200ને પાર થતાં હવે ટામેટાંની પણ ચોરી થઈ રહી છે. શહેરના કાપોદ્રા વિસ્તારના શાકભાજી બજારમાંથી 150 કિલોથી વધુના ટામેટાની ચોરી થઈ હોવાની ઘટના બહાર આવી હતી. માર્કેટમાંથી થયેલી ટામેટાની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. વેપારીને સવારે ચોરી થઈ હોવાની જાણ થતાં શાક માર્કેટમાં લગાવેલા સીસીટીવીની તપાસ કરી હતી. તેના ફૂટેજમાં કોઈ યુવક ટામેટાં લઇ જતો નજરે પડ્યો હતો. તે ચોર માર્કેટમાંથી વેપારીના 150 કિલોથી વધુ ટામેટા ચોરી ગયો હતો. એટલું જ નહિ ટામેટા પછી તો રીંગણ અને લસણની પણ ચોરી કરી ગયો હતો.
શાકભાજી પર ચોરોની નજર
હાલ બજારમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે ચોરો પણ કિંમતી ચીજ વસ્તુ નહીં પરંતુ જીવન જરૂરિયાત ગણાતી શાકભાજી ચોરવા માંડ્યા છે. સુરતના ઉતરાણ પોલીસ મથકમાં ત્રણ દિવસ અગાઉ મોટા વરાછા વિસ્તારમાંથી 17 કટ્ટા બટાકાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. તે પછી કાપોદ્રામાં અક્ષર ડાયમંડ નજીકના શાકભાજી માર્કેટમાંથી ટામેટા, રિંગણ અને લસણની ચોરીની ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશને નોંધાવવામાં આવી હતી. આગલા દિવસની રાત્રે વેપારી તમામ શાકભાજીનો સામાન બાંધીને માર્કેટથી ગયો હતો. સવારે તે પાછો માર્કેટ આવ્યો તો ટામેટાંની ૩ ગુણની ચોરી થઇ હોવાનું તેના ધ્યાન પર આવ્યું હતું. જેને પગલે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
Advertisement