મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને એનસીપીના તેમના જૂથના નેતાઓ મુંબઈના MET બાંદ્રા ખાતે બેઠક માટે એકઠાં થઈને શક્તિ પ્રદર્શન કર્યું. બેઠક બાદ અજિત પવાર જૂથના નેતાઓને કોઈક હોટલમાં રાખવામાં આવ્યા છે. બેઠકમાં અજિત પવારે કહ્યું કે 2004ની વિધાનસભાની ચૂંટણીમાં NCP પાસે કોંગ્રેસ કરતા વધુ ધારાસભ્યો હતા, તે સમયે અમે કોંગ્રેસને મુખ્યમંત્રી પદ ન આપ્યું હોત તો આજ સુધી મહારાષ્ટ્રમાં માત્ર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના જ મુખ્યમંત્રી હોત.
Advertisement
Advertisement
આ ઉપરાંત, તેમણે કાકા શરદ પવાર પર નિશાન સાધતા કહ્યું કે તમે બધાની સામે મને વિલન તરીકે બતાવ્યો. પરંતુ મારા મનમાં હજુ પણ તેમના માટે આદર છે. તમે મને કહો કે IASઅધિકારીઓ 60 વર્ષની વયે નિવૃત્ત થાય છે, રાજકારણમાં પણ ભાજપના નેતાઓ 75 વર્ષની વયે નિવૃત્ત થાય છે. તમે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીનું ઉદાહરણ જોઈ શકો છો. તેનાથી નવી પેઢીને આગળ વધવાની તક મળે છે. તમે (શરદ પવાર) અમને તમારા આશીર્વાદ આપો. પરંતુ તમે 83 વર્ષના છો, શું તમે અટકવાના નથી? અમને તમારા આશીર્વાદ આપો અને તમે લાંબુ જીવો એવી અમે પ્રાર્થના કરીશું.
એનસીપીના તેમના જૂથના નેતાઓની બેઠકમાં પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે જ્યારે આપણે શિવસેનાની વિચારધારાને સ્વીકારી શકીએ છીએ તો ભાજપ સાથે જવામાં શું વાંધો છે ? અમે એક સ્વતંત્ર એકમ તરીકે આ ગઠબંધનમાં જોડાયા છીએ. જમ્મુ – કાશ્મીરમાં, મહેબૂબા મુફ્તી અને ફારુક અબ્દુલ્લાએ ભાજપનો સાથ આપ્યો અને હવે તેઓ સંયુક્ત વિપક્ષનો એક ભાગ છે. હું શરદ પવાર સાથે પટણામાં સંયુક્ત વિપક્ષની બેઠકમાં ગયો હતો અને ત્યાંનું દ્રશ્ય જોઈને મને હસવાનું મન થયું. ત્યાં 17 વિરોધ પક્ષો હતા, 7 માંથી લોકસભામાં માત્ર 1 સાંસદ છે અને એક પક્ષ એવો છે કે જેનો કોઈ સાંસદ જ નથી. તેઓ દાવો કરે છે કે તેઓ પરિવર્તન લાવશે. અમે આ નિર્ણય (એનડીએમાં જોડાવાનો) દેશ અને અમારી પાર્ટી માટે લીધો છે, વ્યક્તિગત લાભ માટે નહીં.
બીજી તરફ NCP નેતા છગન ભુજબળે કહ્યું કે 40થી વધુ ધારાસભ્યો અને MLC અમારી સાથે છે. શપથ લેતા પહેલા અમે સંપૂર્ણ મહેનત કરી છે. અમે શપથ એમનેમ જ લીધા નથી. અમારા પર કાનૂની કેસોથી ડરીને અહીં (અજિત પવાર સાથે) આવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તે સાચો નથી. ધનંજય મુંડે, દિલીપ વાલ્સે પાટીલ અને રામરાજે નિમ્બાલકર સામે કોઈ કેસ નથી. અમે અહીં માત્ર એટલા માટે છીએ કારણ કે તમારી (શરદ પવાર) સાહેબની આસપાસ કેટલાક નજીકના સહયોગીઓ છે, જેઓ પક્ષને ખતમ કરવા માંગે છે. એકવાર તમે તેમને દૂર કરી દેશો તે પછી અમે તમારી પાસે પાછા આવવા માટે તૈયાર છીએ.
Advertisement