દિલ્હી: દેશમાં મોદી સરકારના દાવાથી તદ્દન વિપરીત મોંઘવારી તેની ચરમસીમાએ પહોંચી ગઈ છે, એટલે જ વિપક્ષે મોંઘવારી મુદ્દે મોદી સરકારને ઘેરવાની તૈયારી કરી લીધી છે. દરમિયાન, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ટ્વીટ કરીને મોંઘવારીના માર મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું છે. ખડગેએ કહ્યું કે મોદી સરકારની લૂંટના કારણે દેશમાં મોંઘવારી અને બેરોજગારી વધી રહ્યાં છે. પરંતુ સરકાર જાહેરાતોના થિગડાં મારીને પોતાની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ કરી રહી છે.
Advertisement
Advertisement
કોંગ્રેસ અધ્યક્ષે ટ્વીટ કરીને નિશાન સાધ્યું
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટર પર લખ્યું કે, મોદી સરકારની લૂંટને કારણે મોંઘવારી અને બેરોજગારી બંને સતત વધી રહ્યા છે. પરંતુ ભાજપ સત્તાના લોભમાં મગ્ન છે. શાકભાજીના ભાવો આસમાને છે, દેશમાં બેરોજગારીનો દર વધીને 8.45% થઈ ગયો છે. ગામડાઓમાં બેરોજગારીનો દર 8.73% છે. ગામડાઓમાં મનરેગાની માંગ ચરમસીમાએ છે, પરંતુ કોઈ કામ નથી. ગ્રામીણ વિસ્તારોમાં વેતન દરમાં ઘટાડો થયો છે.
ખડગેએ પોતાના ટ્વીટમાં આગળ લખ્યું, “PM મોદીજી, દેશની જનતા જાણે છે કે ચૂંટણી પહેલા તમે કોઈક “અચ્છે દિન”, “અમૃત કાલ” જેવા નારાઓ પર કામ કરી રહ્યા છો જેથી તમારી નિષ્ફળતા જાહેરાતોની મદદથી છૂપાઈ જાય, પરંતુ આ વખતે તેવું નહીં થાય, જનતા જાગૃત થઈ ગઈ છે અને તમારા આ પોકળ નારાઓનો જવાબ ભાજપ વિરુદ્ધ મત આપીને આપશે. માફ તો શું… જનતા ભાજપને સત્તામાંથી સાફ કરી દેશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક દિવસથી લગભગ દરેક શાકભાજીમાં વપરાતા ટામેટાની કિંમત કિલોદીઠ 100 રૂપિયાની ઉપર પહોંચી ગઈ છે. ઘણાં શહેરોમાં ટામેટાં 150 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા છે. જેના કારણે સામાન્ય જનતાને મોંઘવારીનો નવો માર પડી રહ્યો છે. ટામેટાં ઉપરાંત અન્ય અનેક ચીજવસ્તુઓના ભાવ વધારાના કારણે લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. આટલું જ નહીં, ગઈકાલે ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે, દેશમાં વધી રહેલી મોંઘવારી અને બેરોજગારીને લઈને વિપક્ષ મોદી સરકારને સવાલો પૂછી રહ્યો છે.
Advertisement