ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે અને દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં 126 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના બારડોલીમાં સૌથી વધુ છ ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સતત થઈ રહેલા વરસાદ વચ્ચે હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
Advertisement
Advertisement
મળતી માહિતી મુજબ છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 126 તાલુકાઓમાં વરસાદ થયો છે. બારડોલીમાં સૌથી વધુ છ ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે અન્ય તાલુકાની વાત કરીએ તો 14 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 24 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 42 તાલુકા એવા છે જ્યાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે.
હવામાન વિભાગનો અંદાજ છે કે રાજ્યમાં હજુ ચાર દિવસ વરસાદ ચાલુ રહેશે. જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, નવસારી, વલસાડ, દમણ, ડાંગ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત અને વડોદરામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે આજે ગુજરાતના 10 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. તે મુજબ આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓની વાત કરીએ તો આજે રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 15 ટકાથી વધુ વરસાદ થયો છે. કચ્છ ઝોનમાં સૌથી વધુ 69.47 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 20.93 ટકા, સૌરાષ્ટ્રમાં સરેરાશ 21.73 ટકા, મધ્ય ગુજરાતમાં 9.72 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સૌથી ઓછો 6.50 ટકા વરસાદ નોંધાયો છે.
Advertisement